વડોદરામાં રહીને એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી મૂળ રાજસ્થાનની યુવતીએ મંગળવારે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. યુવતી એક ચિઠ્ઠી પણ લખીને ગઇ છે. તેના પરથી લાગે છે કે યુવતી કોઇ કારણથી જિંદગીથી કંટાળી ગઇ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનની વતની અને વડોદરામાં છાણી વિસ્તારમાં નિસર્ગ રેસિડેન્સીમાં રહેતી 23 વર્ષની માનસી વિનોદભાઇ જાંગીડ (શર્મા) એમ.એસ.યુનિવર્સિટીમાં માસ કોમ્યુનિકેશન અભ્યાસક્રમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. નિસર્ગ રેસિડેન્સીમાં તે એકલી રહેતી હતી. વડોદરામાં જ રહેતી તેની એક મિત્ર પાસે માનસીના મકાનની એક ચાવી રહેતી હતી.
આ મિત્રએ તેને મંગળવારે ફોન કરતા ફોન રિસિવ કર્યો ન હતો. તેણે આજે પણ માનસીને સવારે ફોન કર્યો પરંતુ ફોન રિસિવ નહી થતાં તેની મિત્ર માનસીના ઘરે આવી હતી પણ દરવાજો અંદરથી લોક હતો. તે દરવાજો ખટખટાવ્યા બાદ પણ માનસીએ નહી ખોલતા મિત્રએ પોતાની પાસેની ચાવીથી દરવાજો ખોલ્યો હતો અને અંદર જતાં જ ભયાનક દ્રશ્ય જોવા મળ્યું. માનસીની લાશ ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહી હતી. આથી મિત્રએ તુરંત પોલીસને જાણ કરતા છાણી પોલીસે ઘટના સ્થળે આવીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને આપઘાતના બનાવની તપાસ હાથ ધરી હતી. પોલીસને ત્રણ પાનાની ચિઠ્ઠી મળી છે, જે માનસીએ આપઘાત પહેલા લખી હોવાનું પોલીસનું માનવુ છે જેમાં માનસીએ લખ્યુ છે કે ‘મેં થક ગઇ હૂં, મેં બિલકુલ મર ચૂકી હૂં, મેરે દિલ મેં બહોત દર્દ હૈ’.




