ફિલ્ડમાં કામ કરતાં ક્ષેત્રિય કર્મચારીઓની જવાબદારી અન્ય કર્મચારીઓ કરતા ખૂબ જ વધી જાય છે, ત્યારે સંવેદનશીલતા સાથે જરૂરી લાભો, લાભાર્થીઓ સુધી પહોચાડવાનું આહવાન કરતાં ડાંગ કલેકટરશ્રી મહેશ પટેલે, સમાજમાં મહિલાઓ સ્વસ્થ અને સુરક્ષિત હશે, તો જ તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકાશે તેમ જણાવ્યુ હતું. સુબિરની મુલાકાતે પધારેલા કલેકટરશ્રીએ ક્ષેત્રિય કર્મીઓ સાથે અગત્યની બેઠક યોજી, સરકારશ્રીએ ક્ષેત્રિયકર્મીઓ ઉપર રાખેલા વિશ્વાસને ચરીતાર્થ કરવાની તક મળી છે. જેને ઝડપી, સુબિર જેવા અંતરિયાળ વિસ્તારમાં નિયત કામગીરી ઉપરાંત, એસ્પિરેશનલ બ્લોકની કામગીરીમાં, વધુ ચોકસાઇ દાખવવાની અપીલ કરી હતી.
સને ૨૦૪૭માં દેશને વિકસિત ભારત બનાવવાના વડાપ્રધાનશ્રીના સ્વપ્નની પૂર્તિ માટે પણ, સુબિર તાલુકાને એસ્પિરેશનલ બ્લોકની યાદીમાથી દૂર કરવું જરૂરી છે, તેમ પણ કલેકટરશ્રીએ ગ્રામ્ય કર્મચારીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યુ હતું. કલેકટરશ્રીએ સ્વસહાય જૂથો, આરોગ્ય સેવાઓમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવાની પણ હિમાયત કરી હતી. ગ્રામજનોની વિવિધ યોજનાઓમા માનવિય અભિગમ સાથે ફરજ બજાવવાની અપીલ કરતાં, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબીયારે, ગ્રામ્ય કર્મચારીઓની ભૂમિકા સ્પસ્ટ કરી, સૌને પ્રોત્સાહિત કર્યા હતા.
ICDSના પ્રોગ્રામ ઓફિસર સુશ્રી જ્યોત્સના પટેલે સગર્ભા માતાઓને, સો ટકા THR પહોચાડવાની કામગીરી, એક પણ લાભાર્થી છૂટી ન જાય તેની તકેદારી દાખવવા, અને તેની એન્ટ્રી સબંધિત પોર્ટલ ઉપર કરવાની ચોકસાઇ રાખવાની હિમાયત કરી હતી. સ્થળાંતરીત લાભાર્થીઓને પણ ખુબ જ ચોકસાઇ અને કાળજી સાથે ટ્રેક કરીને, સો ટકા સિદ્ધિની પણ તેમણે સુબિર ખાતે અપીલ કરી હતી. એસ્પિરેશનલ બ્લોક સુબિર ખાતે આયોજિત આ આકસ્મિક બેઠકમાં કલેકટરશ્રી મહેશ પટેલ સહિત સ્થાનિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




