વલસાડ જિલ્લાનાં પારડી પાસે નેશનલ હાઈવે પર જોખમી રીતે વાહન હંકારતા સ્ટંટ કરવા સાથે વીડિયો ઉતારીને તેને વાયરલ કરવાની ઘટનામાં પોલીસે દસ યુવકો સામે ગુનો નોંધ્યો હતો. તારીખ ૨૫ મે નારોજ સાંજે આ યુવકોએ પારડી ફાઉન્ટન હોટલ ખાતે મળીને જોખમી સ્ટંટ કરવાનું નક્કી કર્યું હતું. તેઓએ પ્રથમ હોટલનાં કમ્પાઉન્ડમાં અને પછી વલસાડથી વાપી જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ-૪૮ પર વિવિધ વાહનો વડે ખતરનાક સ્ટંટ કર્યા હતા. 
તેની સાથે અયાઝ યુનુસ મીયા શેખ કાળી થાર ગાડ, મોહમદ રેહાન શેખ કાળા સ્કોર્પિયો, પ્રણવકુમાર આહીર સફેદ મર્સિડીઝ કાર અને અન્ય છ યુવકોએ સ્વિફ્ટ, બ્રેઝા અને વેન્યુ કાર હંકારી સ્ટંટ કર્યા હતા. પોલીસે જણાવ્યું કે, આ સ્ટંટનો વીડિયો બનાવવા માટે ઝાકીર હુસેન શેખ અને હાર્દિક પટેલે મદદ કરી હતી. મુખ્ય આરોપી અતીકે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અતીક શેખ ૬૬૬૪ પરથી અપલોડ કર્યો હતો જે વાયરલ થયો હતો. પોલીસ ઈન્સ્પેક્ટર જી.આર.ગઢવીને જાણકારી મળ્યા બાદ એ.એસ.આઈ. અને કોન્સ્ટેબલ તપાસ હાથ ધરી હતી. તેઓએ ખાનગી માર્ગે તપાસ કરીને મુખ્ય આરોપી અતીકને તેના ઘરેથી શોધી કાઢ્યો હતો. આ પ્રકરણમાં પારડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.



