સોનગઢનાં માંડળ ટોલનાકા પાસે વાહનચેકીંગ દરમિયાન ભાગેલ ટેમ્પાને વ્યારાનાં વિરપુરથી ઝડપી પાડી જે રાજસ્થાન પાસીંગના ટેમ્પામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ-પોષ ડોડાનો ખુબ જ મોટો જથ્થો ૨૮૩૪.૪૦૦ કિલોગ્રામ ઝડપાયો હતો. જેના આરોપીને ૧૪ વર્ષની સજા તાપી જિલ્લાની સ્પે.એન.ડી.પી.એસ.કોર્ટ દ્વારા ફરમાવવામાં આવી હતી. 
તાપી જિલ્લાના સોનગઢ માંડળ ટોલનાકા પાસે ગત તારીખ ૩૧/૧૨/૨૦૨૩ નારોજ એલ.સી.બી.પી.એસ.આઈ. જે.બી.આહિર અને સ્ટાફ વાહન ચેકીંગમાં હતા. તે દરમિયાન રાજસ્થાન પાસીંગનાં ટેમ્પાનાં ચાલકે પુરઝડપે ટેમ્પો હંકારી દઈ વીરપુર ગામની સીમમાં આવેલ લક્ષ્મી પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં ટેમ્પા ડ્રાઈવર અને કલીનર ભાગતા હતા. તે દરમિયાન કલીનર પકડાતા જેને ટેમ્પામાં શું ભરેલું તે પુછપરછ કરતા પોષ ડોડા ભરેલા હોવાનું જણાવ્યું હતું. પોષ ડોડાના કોથળા જિપ્સમ પાઉડરના કોથળાઓની નીચે મુકેલા હતા. જે ટેમ્પાને એલ.સી.બી. ઓફિસ વ્યારા ખાતે લાવી જરૂરી કાર્યવાહી કરી મુદ્દામાલ સીઝ કર્યો હતો.
જેની ફરિયાદ વ્યારા પોલીસ સ્ટેશનમાં થતાં જે ગુનાની સઘન તપાસ પો.ઈ.એન.એસ.ચૌહાણે પુર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. તાપી જિલ્લાના સ્પે.એન.ડી.પી.એસ. કોર્ટમાં કેસ ચાલી જતા ફરીયાદ પક્ષે સરકારી વકીલ રમેશ બી.ચૌહાણે રજુ કરેલ પુરાવાઓ અને જિલ્લામાં આટલા મોટા જત્થામાં માદક પદાર્થ પકડાયેલ હોય જેના ઉપયોગ કરવાથી યુવાધન પાયમાલ થઈ જશે તેવી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટના જજ એ.બી.ભોજકએ આરોપી બજરંગ ભવરલાલ બિશ્નોઈ (રહે.રાજસ્થાન)ને તકસીરવાર ઠેરવી ૧૪ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂપિયા ૨,૦૦,૦૦૦/-નો દંડનો હુકમ કર્યો હતો.




