તારાપુર તાલુકાના મિલરામપુરા ગામમાં મહાદેવ ફળિયામાં રહેતા એક શખ્સના તબેલામાંથી નશાકારક કોડીન સીરપનો રૂ. 1 લાખ ઉપરાંતનો જથ્થો આણંદ એસઓજી પોલીસે ઝડપી પાડી શખ્સ વિરૂદ્ધ નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ તારાપુર તાલુકાના મિલરામપુરા ગામમાં આવેલા મહાદેવ ફળિયામાં રહેતો ઉમેશ ઉર્ફે ભોલો હિંમતભાઈ રાઠોડ પોતાના તબેલામાં પાસ પરમીટ વગરની નશાકારક કોડીન સીરપનો જથ્થો ગેરકાયદેસર રીતે છુપાવી રાખીને તેનું છુટકમાં વેચાણ કરતો હોવાની માહિતી આણંદ એસઓજી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ છાપો માર્યો હતો તે વખતે ત્યાં તબેલામાં ઉમેશ ઉર્ફે ભોલો રાઠોડ ખાટલામાં બેઠેલો મળી આવ્યો હતો. જેથી પોલીસે આ ઉમેશ ઉર્ફે ભોલા રાઠોડની અટકાયત કરી સ્થળ તપાસ કરી હતી. જેમાં તબેલાની પાછળના ભાગે મૂકેલા જાળના પુળીયા નીચે છુપાવેલા સફેદ પ્લાસ્ટીકના સાત જેટલા કોથળામાંથી કોડીન સીરપની કુલ 1,080 બોટલો મળી આવી હતી. આણંદ એસઓજી પોલીસે આ નશીલી દવાઓનો જથ્થો કિંમત રૂ. 1,07,280, રોકડા રૂ. 17,180 તથા એક મોબાઈલ ફોન કિંમત રૂ. 5,000 મળીને કુલ રૂ. 1,29,910નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ઉમેશ ઉર્ફે ભોલા રાઠોડ વિરૂદ્ધમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટની કલમ 8(સી), 1 (સી) મુજબનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
