ભરૂચ-અંકલેશ્વર વચ્ચેની નર્મદા નદીમાં અંકલેશ્વર તરફના છેડા પર બોરભાઠા વિસ્તારમાંથી નર્મદા નદીના પટમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતાં પોલીસે તપાસ કરતાં આ મૃતદેહ જયાબેન મોદી કેન્સર હોસ્પિટલની મહિલા ડોક્ટર મનીષાબેન વાળાનો હોવાનું સામે આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરતાં મહિલા તબીબ ગત તા.૧૬મીએ ઘરેથી સ્ટાફ મિત્રના લગ્નમાં જવાનું કહીને નીકળ્યા હોવાનો અને ત્યારબાદ ગુમ થયા હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર છેડે ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ બોરભાઠા બેટ ગામના સ્મશાન નજીક નદી કિનારેથી એક અજાણી મહિલાનો વિકૃત હાલત મૃતદેહ મળી આવ્યો હતો. જોકે આ મામલે સ્થાનિક રહીશો દ્વારા સામાજિક કાર્યકરને જાણ કરતા તેઓ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા જ્યાં મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરતા આ અજાણી મહિલા મૂળ ભાવનગર અને હાલ અંકલેશ્વરના ગાર્ડન સિટીમાં રહેતી ૨૯ વર્ષીય મનીષાબેન કલ્પેશભાઈ વાળા હોવાનું બહાર આવ્યું છે.
જે ગત તારીખ ૧૬ મે ૨૦૨૫ના રોજ બપોરના સમયે જયાબેન મોદી હોસ્પીટલથી હોસ્પીટલના સ્ટાફને મિત્રના લગ્નમાં ભરૂચ જાવ છું કહીને નીકળી હતી. પરંતુ મનીષા વાળા ઘરે પરત નહીં ફરતા તેના પતિ કલ્પેશ વાળાએ અંકલેશ્વર GIDC પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ આપી હતી. ત્યારે હાલ તો મહિલાનું નર્મદા નદીના પાણીમાં કોઈ અગમ્ય કારણસર ડૂબી જતાં મોત નીપજ્યું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે જ્યરે બીજી તરફ મહિલા તબીબના મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
