સુરેન્દ્રનગરનાં દસાડા તાલુકાનાં અખિયાણા ગામની ફેક્ટરીમાં નોકરી કરતા મૂળ ઉત્તરપ્રદેશના યુવકની લાશ ગામની સીમમાંથી કોહવાયેલી હાલતમાં મળી આવી છે. પોલીસે યુવકના મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, દસાડાના અખીયાણા ગામની સીમમાં એક અજાણ્યા યુવકની બિનવારસી હાલતમાં લાશ મળી હતી. જેની જાણ થતાં આસપાસના લોકો સહિતનાઓના ટોળેટોળાં સ્થળ પર ઉમટી પડયા હતા. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલોએ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથધરી હતી.
જેમાં પ્રાથમિક તપાસમાં લાશને જોતા ત્રણ-ચાર દિવસ પહેલા મોત નીપજ્યું હોય તેેમ જણાઈ આવ્યું હતું અને મોઢું પણ એકદમ ખવાઈ ગયેલી અને કોહવાય ગયેલી હાલતમાં હોવાનું માલુમ પડયું હતું. હાલ તો પોલીસે લાશનો કબ્જો લઈ પીએમ અર્થે તેમજ વાલી વારસ શોધવા અંગેની તજવીજ હાથધરી હતી. બજાણા પોલીસ દ્વારા વધુ તપાસ કરતા મૃતક યુવક મુળ ઉત્તરપ્રદેશનો રહેવાસી નેત્રપાલ મૌર્ય હોવાનું અને આશરે ૩૨ હોવાનું જણાઈ આવ્યું હતું. મૃતક અખીયાણા ગામે પેપકો ફુડ નામની ફેકટરીમાં નોકરી કરતો હતો ત્યારે મળી આવેલ યુવકની હત્યા કરવામાં આવી છે કે આત્મહત્યા તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી હતી.
