અમરેલી બગસરાના સાપર ગામમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. એક ભાઈએ તેની જ સગી બહેનની છરીના ઘા મારીને હત્યા કરી હતી. આ હત્યા પાછળનું કારણ આરોપીની દીકરી અને મૃતક મહિલાના પુત્ર વચ્ચેનો પ્રેમસંબંધ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક ફેલાઈ ગયો હતો અને ચકચાર મચી ગઈ હતી.
મળતી વિગત પ્રમાણે, મૃતક મહિલાના સગા ભાઈ નરેશભાઈ ખીમજીભાઈ ચૌહાણે આ હત્યાને અંજામ આપ્યો હતો. હત્યાનું કારણ મૃતક મહિલાના દીકરા અને આરોપી નરેશભાઈની દીકરી ખુશી વચ્ચેના પ્રેમસંબંધને ગણવામાં આવી રહ્યું છે. બંને વહેલી સવારે ઘરેથી નીકળી ગયા હતા, જેનાથી નરેશભાઈ રોષે ભરાયા હતા અને પોતાની સગા બહેનની છરી વડે હત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં જ બગસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે બગસરાની હોસ્પિટલમાં ખસેડી હતી. એએસપી જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો દ્વારા આરોપીની ધરપકડ માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. આરોપી પકડાયા બાદ હત્યાનું સાચું કારણ જાણવા મળશે.




