વાપીનાં છીરીમાં એક ઈસમે લાકડાથી ફટકા મારતા વાછરડાનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં ડુંગરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, છીરી રણછોડ નગર સાઇપુજા એપાર્ટમેન્ટની સામે વડીયાવાડ નહેર પાસે એક નાના વાછરડાને માથાના ભાગે લાકડાથી માર વાગતા તેનું મોત થયું હતુ.
તેને મારનાર યુવક એવા રમનદાસ મનોજદાસ (રહે.છીરી રણછોડનગર,શિવમ ઓમ કોમ્પલેક્ષ)ની પોલીસે પુછપરછ કરતા તેઓએ જણાવ્યું હતુ કે, એપાર્ટમેન્ટમાં રહેતી ૧૦ વર્ષની છોકરીને અહીં રખડતા વાછરડાએ માથાથી મારતા તે નીચે પડી ગઈ હતી. ત્યારબાદ પણ વાછરડાએ છોકરીને માથાથી માર માર્યો હતો. જેથી આ છોકરીને બચાવવા મેં એક લાકડુ લીધુ અને વાછરડાને ભગાડવા લાકડુ ઉચુ કર્યું હતુ. આ સમયે વાછરડું સામે મારવા આવતા સ્વબચાવ માટે તેને લાકડાથી ચાર વાર માર મરાયો હતો. જે બાદ વાછરડો ત્યાંથી થોડે દૂર જઈ ઢળી પડ્યો હતો. બાદમાં વેટરનરી ડોક્ટર પાસે ચેક કરાવાતા તેનું મોત થયાનું જણાયું હતુ.
