તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકાનાં ઉકાઈ વિસ્તારનાં એક ગામે આશ્રમશાળામાં ધોરણ-9માં ભણતી 2 આદિવાસી દીકરીઓની આચાર્ય દ્વારા છેડતી કરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આશ્રમશાળાનો આચાર્ય વિનેશ પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓની છેડતી કરાતા મામલો ઉકાઇ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સુત્રો અનુસાર તારીખ 3જી સપ્ટેમ્બરની રાતે ધોરણ-9ની વિદ્યાર્થીનિઓ પોતાની હોસ્ટેલમાં હોમવર્ક કરી રહી હતી.
તે સમય દરમિયાન આચાર્ય પાછલા બારણેથી કેમેરાની નજર ચૂકવી વિદ્યાર્થીનીઓને બહાર આવવા દબાણ કરાયું હતું. ત્યારે વિદ્યાર્થીનીઓ રાતના 12 વાગે પોતાની લાજ બચાવી હોસ્ટેલ છોડીને ભાગી હતી. વિદ્યાર્થીનીઓના જણાવ્યા મુજબ જ્યારથી શાળા શરૂ થઈ ત્યારથી જ આચાર્ય લેટર આપીને લખીને મોકલ્યું કે, હું તને સાચો પ્રેમ કરું છું તને ધોરણ-10માં પાસ કરાવીશ અને જો મારા સાથે સંબંધ નહીં રાખે તો તને નાપાસ કરીને અહીંથી જવા નહીં દઉં એવી ધમકીઓ આચાર્ય દ્વારા આપવામાં આવતી હતી.
દરમિયાન રાતે શાળાના આચાર્યએ હદ વટાવી અને વિદ્યાર્થીનીઓને હોસ્ટેલની બહાર નીકળી જવા દબાણ કરવા લાગ્યો ત્યારે વિદ્યાર્થીનીઓ પોતાની લાજ બચાવી હોસ્ટેલની સામે આવેલ દુકાનદાર પાસે ભાગી ગઈ હતી અને ત્યાંથી પોતાના વાલીઓને ફોન કોલ કરી બોલાવતા રાતે બે વાગે વાલીઓ વિદ્યાર્થીનીઓને પોતાના ઘરે લઈ ગયા હતા ત્યારબાદ ઉકાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




