કોલકાતાનાં આર.જી. કર મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કેસની તપાસ કરી રહેલી સીબીઆઇએ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ધરપકડ કરી છે. તેમના પર મેડિકલ કોલેજમાં નાણાકીય ભ્રષ્ટાચાર કરવાનો આરોપ છે. સીબીઆઇએ તેના સોલ્ટ લેક કાર્યાલયમાં સંદીપ ઘોષની સતત 15માં દિવસે પુછપરછ કરી હતી. જે બાદ તેની સીબીઆઇના નિઝામ પેલેસ કાર્યાલય લઇ જઇ ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, હોસ્પિટલના પૂર્વ નાયબ અધિક્ષક ડો.અખ્તર અલીએ સંદીપ ઘોષ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હાઇકોર્ટમાં અરજી કરી હતી.
જેમાં તેઓએ સંદીપ પર કોલેજના પ્રિન્સિપાલ પદ પર રહી નાણાકીય અનિયમિતતા કરવાનો આરોપ મૂક્યો હતો. ત્યાર પછી સંસ્થામાં ભ્રષ્ટાચારનો સંબંધ મહિલા ડોક્ટરના મોત સાથે જોડાયેલો હોવાની અટકળોએ પણ જોર પકડ્યું હતું. અખ્તર અલીએ સંદીપ વિરૂદ્ધ એક વર્ષ પહેલા પણ રાજ્ય તકેદારી કમિશન અને ભ્રષ્ટાચાર નિરોધક બ્યૂરો સમક્ષ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તેમની ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવી નહોતી અને તેમને સંસ્થામાંથી ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. હાઈકોર્ટ સમક્ષની તેમની અરજીમાં, અલીએ ઘોષ પર મૃતદેહોના ગેરકાયદેસર વેચાણ, બાયો-મેડિકલ વેસ્ટની દાણચોરી ઉપરાંત દવા અને તબીબી સાધનોના સપ્લાયર્સ દ્વારા ચૂકવવામાં આવતા કમિશન પર ટેન્ડર બહાર પાડવાનો આરોપ મૂક્યો હતો.
અરજદારે સંદીપ ઘોષ પર આ પણ આરોપ લગાવ્યો કે, તે વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ કરવા માટે પાંચથી આઠ લાખ રૂપિયા સુધીની સકમ વસૂલતો હતો. સંદીપ ઘોષ ફેબ્રુઆરી 2021થી સપ્ટેમ્બર 2023 સુધી આરજી કર હોસ્પિટલના પ્રિન્સિપાલ તરીકે કાર્યરત હતો. પાછલા વર્ષે ઓક્ટોબરમાં તેની સંસ્થામાંથી બદલી કરવામાં આવી હતી, પરંતુ એક મહિનાની અંદર જ તે પ્રિન્સિપાલના હોદ્દા પર પરત ફર્યો હતો. સીબીઆઇએ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. એજન્સીએ સંદીપ પર તેના કાર્યકાળ દરમિયાન સંસ્થામાં કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસના સંદર્ભમાં એફઆઇઆર દાખલ કરી હતી. જેમાં આઇપીસીની કલમ 120-બી (ગુનાહિત ષડયંત્ર) સાથે કલમ 420 (છેતરપિંડી અને અપ્રમાણિકતા) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 7 સાથે ગુનો નોંધ્યો હતો.



