ભારતમાં મંકીપોક્સનો શંકાસ્પદ કેસ સામે આવતા કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે એડવાઈજરી જારી કરી છે. અહેવાલો મુજબ આરોગ્ય મંત્રાલયે શંકાસ્પદ વ્યક્તિઓની સ્ક્રીનિંગ અને કોન્ટેક્સ ટ્રેસિંગ કરવાની સલાહ આપી છે. મીડિયા અહેવાલો મુજબ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે એક એડવાઈજારી કરી છે, જેમાં વાયરલ ઈન્ફેક્સનું ઝડપથી સ્ક્રીનિંગ કરવા તેમજ સ્થિતિ પર નજર રાખવાનો ઉલ્લેખ કરાયો છે. જોકે અધિકારીઓએ ચિંતા ન કરવાની સાથે કહ્યું છે કે, આપણો દેશ બહારથી આવતા પ્રવાસીઓના આઈસોલેશન મામલે સંપૂર્ણ તૈયાર છે.
મહત્વની વાત એ છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ અગાઉ મંકીપોક્સ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. આ ગંભીર બિમારીના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થઈ ચુક્યા છે. આરોગ્ય મંત્રાલયે રવિવારે દિલ્હીમાંથી શંકાસ્પદ કેસ મળ્યો હોવાની માહિતી આપી હતી. આ વ્યક્તિ વિદેશથી ભારત આવ્યો હતો અને તેને હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. હાલ તેની સ્થિતિ સ્થિર છે, તેમ સરકારે જણાવ્યું છે. આરોગ્ય મંત્રાલયની જાહેરાતમાં કહેવાયું છે કે, શંકાસ્પદ દર્દીને ખરેખર મંકીપોક્સનો ચેપ લાગ્યો છે કે નહીં, તે જાણવા સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે. મંત્રાલયે કહ્યું કે, ‘પ્રોટોકોલ મુજબ શંકાસ્પદ કેસ અંગે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે અને સંભવિત ફેલાવાને અટકાવવા માટે સ્ત્રોતોની ઓળખ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત તે દર્દીના સંપર્કમાં આવેલા લોકોની પણ ઓળખ કરવામાં આવી રહી છે. સરકારે કહ્યું કે, આ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) દ્વારા હાથ ધરવામાં આવેલા અગાઉના જોખમ મૂલ્યાંકનને અનુરૂપ છે અને કોઈ બિનજરૂરી ચિંતાનું કોઈ કારણ નથી. ઉલ્લેખનીય છે કે, મંકીપોક્સના કેસોને ધ્યાને રાખી મહારાષ્ટ્ર સરકારે તકેદારીના ભાગરૂપે અગાઉથી મુંબઈની હોસ્પિટલમાં 20 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં 23 ઓગસ્ટના રોજ ‘મંકીપોક્સ વોર્ડ’ તૈયાર કરવામાં આવ્યો છે. WHOનાં નિવેદન મુજબ વર્ષ 2022થી અત્યાર સુધીમાં 116 દેશોમાં 99176 મંકીપોક્સના કેસ સામે આવ્યા છે, જેમાં કુલ 208 લોકોના મોત થયા છે. ગત વરઅષે સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થયો હતો. જ્યારે આ વર્ષે તેનાથી પણ વધુ કેસો નોંધાઈ રહ્યા છે.




