Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મુખ્યમંત્રીશ્રીએ બરૂમાળમાં સદગુરુધામ મંદિરના રજતોત્સવમાં ઉપસ્થિત રહી શ્રી ભાવભાવેશ્વર મહાદેવનો અભિષેક કર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આદિવાસી વિસ્તારમાં વલસાડ જિલ્લાનું ધરમપુરનું બરૂમાળ સદગુરુધામ હજારો લોકો માટે શ્રધ્ધા અને પ્રેરણાનું સ્ત્રોત બન્યું છે. અહીંની સેવા અને સંસ્કારની સુવાસ સમગ્ર પંથકમાં પ્રસરી રહી છે. બરૂમાળમાં ભગવાન શ્રી ભાવભાવેશ્વર મહાદેવ મંદિરના રજતોત્સવ અને ભારત વિશ્વગુરૂ બને એવા સંકલ્પ સનાતન ૨૦૨૫ના આધ્યાત્મિક અનુષ્ઠાન પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત રહી પ્રેરણાદાયક સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ભાવભાવેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી વેદ મંત્રોચ્ચારના નાદ સાથે મહાદેવજીનો અભિષેક કર્યો હતો.

મંદિરના પટાંગણમાં ૧૦ યુગલોના યજમાનપદે ચાલી રહેલા મહારુદ્ર મહાયજ્ઞના દર્શન કરી મુખ્યમંત્રીશ્રીએ યજ્ઞ શાળાની પરિક્રમા કરી હતી. તેમજ ધરમપુરના આદિવાસી વિસ્તારમાં બરૂમાળ મંદિર દ્વારા ૨૫ વર્ષની સેવા, સમર્પણ અને સંસ્કૃતિની વિકાસની ગાથા દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ મુખ્યમંત્રીશ્રીએ નિહાળી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વસુધૈવ કુંટુંબકમની ભાવના અને રાષ્ટ્રને વિશ્વ ગુરુ બનાનવાના સંકલ્પને આ સદગુરુધામ સાકાર કરી રહ્યું હોવાનું જણાવી સંતો-વક્તાઓ દ્વારા ભારતને વિશ્વગુરુ બનાવવા અહીં ચિંતન થઈ રહ્યું છે તે અંગે અભિનંદન પાઠવ્યાં હતા. સનાતન ધર્મ આજે વિશ્વને દિશા નિર્દેશ કરી રહ્યો છે.

ત્યારે આ બરૂમાળ સદગુરુધામ સનાતન ધર્મનું ઉત્તમ દ્રષ્ટાંત હોવાનું જણાવી મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આદિવાસી ક્ષેત્રમાં વ્યસન અને કુરિવાજ જેવી અનેક સામાજિક બદીઓ નિવારવા સદગુરુ ધામે ઘરે ઘરે જઇને સનાતન ધર્મની જ્યોત જગાવી છે. આજે દરેક ઘરમાં ગીતા અને ગંગાજળ જોવા મળે છે. સનાતન ધર્મને જાળવી રાખવાનું કામ કર્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આદિવાસી વિસ્તારમાં પાયાની જરૂરિયાત સરળતાથી પહોંચે તેવી વ્યવસ્થા નરેન્દ્રભાઈ એ વિકસાવી છે. વંચિતો, પીડિતો અને શોષિતોના વિકાસને પ્રાધાન્ય આપી વન બંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી. જેના પ્રતાપે આજે આદિવાસી સમાજ મુખ્યધારામાં આવ્યો છે.

આદિવાસી બાળકોની ચિંતા કરી, આંગણવાડી, સ્કૂલ અને મેડિકલ કોલેજો ચાલુ કરી છે. અંતરિયાળ વિસ્તારમાં આજે આદિવાસી બાળકો સ્માર્ટ બોર્ડ પર ડિજિટલ શિક્ષણ મેળવી રહ્યા છે. સમાજના દીકરા-દીકરી ડોક્ટર, એન્જિનીયર અને પાયલોટ બની રહ્યા છે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ દ્વારા દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. વડાપ્રધાનશ્રી એ વિશ્વમિત્ર બની ભારતના સનાતન ધર્મની પ્રતિબદ્ધતા સમગ્ર વિશ્વને દર્શાવી છે એમ પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણની સાથે આરોગ્ય સેવામાં આ સદગુરૂ ધામે આપેલા યોગદાન અંગે જણાવ્યું કે, આ પવિત્ર ધામ અંતરિયાળ વિસ્તારમાં જઇને આદિવાસી સમાજની સેવા કરે છે. આપણી સંસ્કૃતિ ગૌ- ગંગા અને ગાયત્રીની છે. અહીં ૨૫૦થી વધુ ગાયોની સેવાનો યજ્ઞ ચાલે છે.

જે સનાતન સંસ્કૃતિનું ઉદાહરણ છે. આપણે સૌ સનાતન સંસ્કૃતિના વાહક બનીશું તો વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર અને વિશ્વ કલ્યાણના સંકલ્પ સાથે વિશ્વગુરુ જરૂર બનશે. પ.પૂ.પરમાદર્શ આચાર્યશ્રી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજે ઑમની ધ્વનિ ગુંજ સાથે ગુરુ મહિમાનું વર્ણન કરતા જણાવ્યું કે, પહેલા અહીં રસ્તા ન હતા. કોઈ સુવિધા ન હતી. વિષમ પરિસ્થિતિમાં જાતપાતનો ભેદભાવ દૂર કરી સૌને આત્મસાત કર્યા હતા. આદિવાસીઓના ઘરે ભોજન કરી તેઓની સેવા કરી દરેક ગામ, દરેક ઝોપડીને મંદિર બનાવી સનાતન ધર્મની ધ્વજા લહેરાવી છે.

આ આદિવાસી સમાજ સનાતન સંસ્કૃતિના અનુયાયી છે. વધુમાં તેમણે આશીર્વચન આપતા કહ્યું કે, જીવન સાદું અને ખાણી પીણી શુદ્ધ અને સાત્વિક હોવી જોઈએ. મુખ્યમંત્રીશ્રીના આગમનને સ્વામીજીએ વધાવી શાલ ઓઢાડી જણાવ્યું કે, આજના આ ગૌરવ પળની ઘણા વખતથી પ્રતિક્ષા હતી જે આજે સફળ રહી છે. આ પ્રસંગે શ્રી સ્વામી ચિદમ્બરાનંદજી મહારાજે હર હર મહાદેવનો જયઘોષ કરાવી પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, આજે અહીં ધર્મનીતિ અને રાજનીતિનો સમન્વય થયો છે. આજનો દિવસ સંપૂર્ણ ભારત માટે ઐતિહાસિક બન્યો છે. ગુજરાતની ધરતીએ નરેન્દ્રભાઈ મોદી જેવા રાજનેતા આપી દુનિયામાં ભારતની સાથે સનાતન ધર્મનું ગૌરવ પણ વધાર્યું છે. વધુમાં તેમણે સ્વામી વિદ્યાનંદ સરસ્વતીજી અંગે કહ્યું કે, તેઓએ આદિવાસી સમાજને સ્વાભિમાનપૂર્વક જીવન આગળ વધારવા અને સનાતન ધર્મમાં જોડવાનું પુણ્યકાર્ય કર્યું છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!