હિમાચલ પ્રદેશનાં બિલાસપુર જિલ્લાના નૈના દેવી વિધાનસભા વિસ્તારના ગુતરાહન ગામમાં શનિવારે સવારે વાદળ ફાટવાના કારણે તબાહીના દૃશ્યો સર્જાયા હતા. આ દરમિયાન અનેક વાહનો કાટમાળમાં દબાયા હતા અને રસ્તાને પણ ભારે નુકસાન થયું હતું. આ કુદરતી આફતમાં કોઈ જાનહાનિ થઈ નથી, નહીંતર મોટી દુર્ઘટના બની શકી હોત. અસરગ્રસ્ત ગ્રામજનોએ વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે અને પીડિતોને યોગ્ય વળતર આપવામાં આવે. 
બીજી બાજુ, મંડી જિલ્લાના ધરમપુરના સપદી રોહ ગામમાં શનિવારે સવારે 4 વાગ્યે ભૂસ્ખલન થયું હતું, જેના કારણે ઘણા ઘરો કાટમાળથી ઘેરાયેલા છે. હિમાચલપ્રદેશના ઘણાં જિલ્લાઓમાં હવામાન ફરી બગડવા લાગ્યું છે. આવી સ્થિતિમાં, અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન કેન્દ્ર શિમલાએ 13 અને 14 સપ્ટેમ્બરે ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વળી, કાંગડા, ઉના, હમીરપુર, બિલાસપુર અને મંડી જિલ્લાના કેટલાક ભાગોમાં હળવા અને ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે શિમલા, સિરમૌર, સોલન, કુલ્લુ અને ચંબા જિલ્લામાં વિવિધ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ રહેશે.(ફાઈલ ફોટો)



