વેલંજા ખાતે રહેતા દવે દંપતિ સ્કુટર પર વરાછા ખાતે સંબંધીને ત્યાં જવા નીકળ્યા હતા. ત્યારે ઘર નજીક ટ્રક ચાલકે દવે દંપતીની સ્કુટરને અડફેટમાં લેતા ઇજાગ્રસ્ત થયા હતા. દંપતિ પૈકી પત્નીનું ગંભીર ઈજાને પગલે મોત થયું હતું. જ્યારે પતિ ને સમાન્ય ઈજા પહોંચી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વતની અને હાલ વેલંજા વિસ્તારમાં આવેલા સૌરાષ્ટ્ર રેસીડેન્સીમાં રહેતા બાબુભાઈ દવે કર્મકાંડનું કામ કરી પત્ની ૫૬ વર્ષીય મંગલાબેન, એક પુત્ર અને બે પુત્રીનું ભરણપોષણ કરી રહ્યા છે.
ગઈકાલે સાંજે બાબુભાઈ તેમની પત્ની મંગલાબેન સાથે સ્કુટરમાં વરાછા ખાતે સંબંધીને ત્યાં જવા નીકળ્યા હતા. દરમિયાન તેમના ઘર નજીક જ તેઓને રસ્તા પરથી પસાર થતા ટ્રક ચાલકે સ્કુટરને ટક્કર મારી તેઓને અડફેટમાં લીધા હતા. જેથી દવે દંપતી રોડ પર નીચે પટકાયા હતા. જેથી મંગલાબેનને ગંભીર ઈજાને પગલે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મંગલાબેનનું ટૂંકી સારવારમાં મોત થયું હતું. જ્યારે બાબુભાઈને સામાન્ય ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે વધુ આગળની તપાસ ઉત્રાણ પોલીસ કરી રહી છે.



