મુંબઈનાં બાંદ્રામાં આજે સવારે એક દુ:ખદ ઘટના બની. ભારત નગરમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. જેમાં 10 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં કાટમાળમાંથી સાત લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સારવાર માટે ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઈ પોલીસ, ફાયર બ્રિગેડ અને બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ટીમો ઘટના સ્થળે હાજર છે અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. મુંબઈ પોલીસના જણાવ્યાનુસાર, ‘આ ઘટના આજે સવારે 7.50 વાગ્યે બની હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઈમારતમાં સિલિન્ડર વિસ્ફોટ થયો હતો, જેના કારણે ઈમારતનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો. ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ અને બીએમસી ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. કાટમાળમાંથી બચાવાયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.’ આ દુર્ઘટનાના કારણે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ છે. આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો પોતાના ઘરની સલામતીને લઈને ચિંતિત છે. બીએમસીનું સ્થાનિક વોર્ડ તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં જૂની અને જર્જરિત ઈમારતોના સમારકામ અને સલામતી પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. હાલમાં બધાની નજર બચાવ કામગીરી પર છે અને કાટમાળમાં ફસાયેલા લોકો શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત રીતે બહાર આવે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.
