મુંબઈ: શહાપુર તાલુકામાં અસ્નોલીમાં ખોરાકી ઝેરની અસર થવાથી ત્રણ સગીર વયની બહેનોનાં મૃત્યુ થયા હોવાનો બનાવ બન્યો હતો. મૃતકોમાં ૧૦ વર્ષની કાવ્યા, આઠ વર્ષની દિવ્યા અને પાંચ વર્ષની ગાર્ગી ભેરેનો સમાવેશ થાય છે. સોમવારે તેમને ખોરાકી ઝેરની અસર થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. તેમાથી બે બાળકી પર નાયર હૉસ્પિટલમાં અને એક પર ઘોટીની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્રણેય બાળકીના મૃત્યુ પ્રકરણમાં ક્ધિહવલી પોલીસ સ્ટેશનમાં મૃત્યુની નોંધ કરવામાં આવી છે. બાળકીઓના સંબંધીઓએ મૃત્યુ પ્રકરણમાં શંકા વ્યક્ત કરી છે.
શહાપુરને લાગીને આવેલા ચેરપોલીમાં સંદીપ ભેરે અને તેની પત્ની ત્રણ બાળકી સાથે આઠ મહિનાથી તાલુકાના આસ્નોલીમાં તેના પિયરમાં રહેતા હતા. સોમવારે ૨૧ જુલાઈના ત્રણેય બાળકીઓને પેટમાં દુખાવો અને ઉલટીનો ત્રાસ થવા માંડયો હતો. તેથી તેમની માતા તેમને નજીક આવેલા ખાનગી ડૉકટર અને ત્યારબાદ શહાપુરમાં સરકારી હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. ત્રણેયની હાલત ગંભીર હોવાથી બેને નાયર હૉસ્પિટલમાં અને એકને ઘોટીની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમ્યાન કાન્યા અને ગાર્ગીના ગુરવારે તો દિવ્યાનું શુક્રવારે સવારના મૃત્યુ થયું હતું. આ પ્રકરણમાં ક્ધિહવલી પોલીસે એક્સિડેન્ટલ મૃત્યુનો કેસ નોંધ્યો હતો. જોકે સંબંધીઓએ મૃત્યુ પ્રકરણમાં શંકા વ્યક્ત કરતા પોસ્ટમાર્ટમ બાદ ચોક્કસ કારણ જાણી શકાશે એવું પોલીસે જણાવ્યું હતું.
