સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં નવી પારડી ગામની હદમાં એક આઈસર ટેમ્પોમાં પતરાના ડબ્બાઓના બોક્ષની આડમાં રૂપિયા ૧૭.૫૬ લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે ટેમ્પો ચાલકની અટકાયત કરવામાં આવી હતી, જયારે આ કામે વિદેશી દારૂનાં જથ્થા ભરવી આપનાર અને વિદેશી દારૂનાં જથ્થા લેવા આવનાર બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે રૂપિયા ૨૮.૬૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરાવમાં આવી હતી.
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસની ટીમ તારીખ ૦૪-૦૭-૨૦૨૫ નાંરોજ પ્રોહી. તથા જુગારની પ્રવૃત્તિને નાબુદ કરવા બાબતે અલગ અલગ ટીમો બનાવી જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ‘એક ટાટા ટેમ્પો નંબર જીજે/૨૧/ડબ્લ્યુ/૩૨૫૩નો ચાલક પોતાના કબ્જાના ટેમ્પોમા મોટા પ્રમાણમા વિદેશી દારૂનો જથ્થો દમણ ખાતેથી ભરી નેશનલ હાઈવે નંબર-૪૮ ઉપર કામરેજ થઈ નવીપારડી રાજ હોટેલ થઇ સુરત શહેર ખાતે જનાર છે.’ જે બાતમીના આધારે નવીપારડી રાજ હોટલથી સાયણ તરફ જતા રોડ ઉપર ક્રીષ્ણા વે બ્રીજ પાસે નાકાબંધીમાં હતા.
તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા તેને રોકી તેમાં તપાસ હાથ ધરતા ટેમ્પોમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ટેમ્પો ચાલક દીલીપકુમાર શ્રીછોટેલાલ પટેલ (રહે.સરાઈભવાનીસિંહ ગામ, સંગારગઢ, જિ.પ્રતાપગઢ, યુ.પી.)ને ઝડપી પાડ્યો હતો. જોકે ટેમ્પો ચાલકની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો વાપી ખાતેના મનોજ નામના શખ્સે ભરવી આપ્યો હતો અને જયારે એક અજાણ્યા શખ્સ દારુનો જથ્થો લેવા આવવાનો હતો જેના નામની ખબર નથી. આમ, પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી કૂલ નંગ ૯,૧૫૬ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૧૭,૫૬,૦૮૦/-, ટેમ્પો જેની કિંમત રૂપિયા ૮ લાખ, એક નંગ મોબાઈલ, ટેમ્પોમાં ભરેલ પતરાનાં ડબ્બાનાં બોક્ષ નંગ ૧૯૦ જેની કિંમત રૂપિયા ૩,૦૪,૫૮૬/- અને રોકડ રૂપિયા મળી કૂલ રૂપિયા ૨૮,૬૬,૨૮૬/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ઝડપી પાડેલ ટેમ્પો ચાલક સામે ફરિયાદ નોંધી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
