ગાંધીનગર નજીક અડાલજ મહેસાણા હાઇવે ઉપર બપોરના સમયે રોડનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અમદાવાદથી પાટણ જઈ રહેલી એસટી બસના ચાલકે અચાનક જ બ્રેક મારતા પાછળ આવી રહેલા ત્રણ કાર અને ટેમ્પો તેમજ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, રહેલી વિગતો પ્રમાણે આ હાઇવે માર્ગ પર હાલ રોડના સમારકામનો કામ ચાલી રહ્યું છે. 
જેના કારણે અવારનવાર ડાઈવર્ઝન આપવામાં આવે છે ત્યારે આજે બપોરના સમયે પણ અહીં રોડ ઉપર જ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તે દરમિયાન અમદાવાદથી પાટણ જઈ રહેલી એસટી બસના ચાલકે ડાઈવર્ઝન જોઈને અચાનક જ બ્રેક મારી દીધી હતી. જેના કારણે પાછળ આવી રહેલી ત્રણ કાર બાઈક અને ટેમ્પો વચ્ચે અકસ્માત થઈ ગયો હતો. જે અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોકે આ વાહનોમાં સવાર વ્યક્તિઓને નાની મોટી ઈજા થવા પામી હતી. એક વૃદ્ધને વધુ ઈજા થઈ હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો બીજી બાજુ આ ઘટનાને પગલે અહીં ભારે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ ગઈ હતી. જેના પગલે પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને સ્થિતિ પૂર્વવત કરાવી હતી.



