સોનગઢનાં નવા આર.ટી.ઓ. પાસે આઈસર ટ્રકને અટકાવી પોલીસે ઠાંસી ઠાંસીને ટૂંકી દોરી વડે બાંધેલી ૯ ભેંસ અને ર પાડિયાને મુક્ત કરાવી વ્યારાના ટ્રક ચાલકની અટક કરી હતી. જ્યારે વ્યારા ભાટપુર ખાતે તબેલામાંથી પશુ ભરનાર તેના સગા ભાઈને વોન્ટેડ જાહેર કરી કુલ રૂપિયા ૭.૭૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસને મળેલ બાતમીના આધારે પીસીઆર વાનના સ્ટાફે સોમવારે રાત્રે સોનગઢ નવા આરટીઓ પાસે વ્યારા તરફથી આવતી આઇસર ટ્રકને અટકાવી હતી.
ટ્રકમાં તપાસ કરતા અંદર ભેંસ નંગ ૯ અને પાડીયા નંગ ૨ જેની કિંમત રૂપિયા ૨,૭૪,૦૦૦/- ને હલન ચલન માટે વાજબી મોકળાશ મળતી ન હોય તે રીતે એક જગ્યાથી બીજા જગ્યાએ હેરાફેરી કરતા અને તેમજ અબોલા પશીઓને દુઃખ દર્દ ભોગવવું પડે તે રીતે ક્રૂરતાપૂર્વક ટૂંકી દોરીથી બાંધીને લઈ જવાતા હતા. વધુમાં ટ્રકમાં ઘાસચારા કે અન્ય ખોરાક તેમજ પાણીની પણ કોઇ સુવિધા ન હતી.
જે અંગે ટ્રક ચાલક આરિફ રશિદશાહ ફકીર (ઉ.વ.૩૪., રહે.દાદરી ફળિયું, વ્યારા) પાસે જરૂરી પ્રમાણપત્ર ન મળતા તેની અટક કરી પુછપરછ કરી હતી. જેમાં સાથે રહેતા સગા ભાઈ રફિક રશિદશાહ ફકીરે વ્યારાનાં ભાટપુર ખાતે આવેલા તેના તબલામાંથી પશુઓ ભરી આપ્યા હોવાની અને ધુલિયા ખાતે ભરાતા બજારમાં વેચવા જતો હોવાની કબુલાત કરી હતી. જેથી તેના ભાઈને ફરાર જાહેર કરી પોલીસ મથકે પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિય હેઠળ ગુન્હો નોંધી એક નંગ મોબાઈલ અને વાહન સહિત કુલ રૂપિયા ૭,૭૯,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.(ફાઈલ ફોટો)
