ધરમપુર વન વિભાગની ટીમે બારસોળ ગામેથી વાનમાં લઈ જવાતો રૂ.૩૦ હજારની કિંમતનો ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડી ધરમપુરના રાજમહેલ રોડ વિસ્તારના રહીશની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, ધરમપુર રેન્જના વન કર્મીઓએ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન આર.એફ.ઓ.ને બારસોળ-મરલા માર્ગેથી વાનનો ચાલક ખેરના લાકડાના જથ્થાનું ગેરકાયદે વહન કરનાર હોવાની બાતમી મળી હતી. 
વન વિભાગની ટીમે ખેરનો જથ્થો ભરી પૂરપાટ ઝડપે પસાર થતી મારુતિ વાનને અટકાવી, ચાલક શૈલેગ દિનેશભાઈ દેસાઈ (રહે.રાજમહેલ રોડ, ધરમપુર)ને ભાગવાનો પ્રયત્ન કરે તે પહેલા જ દબોચી લીધો હતો. જે બાદ વન વિભાગે વાનની તપાસ કરતા વાનમાંથી હાથ ઘડાઈના ઘ.મી ૦.૫૫૯ ખેરના લાકડા નંગ ૩૪ (કિંમત રૂ. ૩૦,૦૦૦) મળી આવ્યા હતા. વિભાગે ખેરના લાકડાનો જથ્થો અને વાન મળી કુલ્લે રૂ.૮૦,૦૦૦/-નો મુદ્દામાલ કબજે લીધો હતો. વન વિભાગની ટીમે વાહન ચાલકની પૂછપરછ કરતા તે છેલ્લા કેટલાક માસથી લાકડાની તસ્કરી કરતો હોવાની કબૂલાત કરી હતી. બનાવ અંગે નાયબ વન સંરક્ષકે તથા મદદનીશ વન સંરક્ષકે વધુ તપાસ હાથ ધરી હતી.(ફાઈલ ફોટો)




