ખેડાનાં ચાંદણા ગામે બે પડોશીઓ વચ્ચે થયેલી તકરાર હત્યામાં પરિણમી હતી. ફળિયામાં પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે પિતા-પુત્રએ ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા ૬૦ વષય વૃદ્ધને મારી નાખવાના ઇરાદે લોખંડની પાઈપ ફટકારી મોતને ઘાટ ઉતારી દીધા છે. બનાવ મામલે ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, ખેડા તાલુકાનાં ચાંદણા ગામે પટેલ ખડકીમાં ૪૧ વર્ષીય રીતેશભાઈ ઉર્ફે બિરેન વિનોદભાઈ પટેલ પત્ની અને કાકા સાથે રહે છે.
તેમની પડોશમાં મુકેશ વિષ્ણુ પટેલ રહે છે. શુક્રવારે સવારે રીતેશભાઈ ગામમાંથી પોતાના ઘર તરફ આવતા હતા. દરમિયાન પડોશી મુકેશ પટેલ રીતેશભાઈની પત્ની સાથે ગાળાગાળી કરતા હતા. ફળિયામાં પાણી ઢોળવા જેવી બાબતે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. 
ત્યારે મુકેશ પટેલ અને તેમનો પુત્ર ભાર્ગવ બંનેએ સુનીલભાઈને પણ લોખંડની પાઈપ માથામાં ફટકારી હતી. રીતેશભાઈની ભાભીને પણ લાકડીઓ મારી હતી. બાદમાં અન્ય લોકો વચ્ચે પડયા હતા. બાદમાં ગંભીર રીતે ઘાયલ સુનીલભાઈ પુનમભાઈ પટેલને ખેડા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તપાસ કરતા તેમનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. આ બનાવ મામલે રીતેશભાઈ વિનોદભાઈ પટેલે હુમલો કરનારા પિતા અને પુત્ર સામે ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




