આ વર્ષે ચોમાસું મહારાષ્ટ્રમાં નિયમિત સમય કરતા લગભગ ૧૫ દિવસ વહેલું બેઠું છે. જેથી મુંબઈ સહિત કોંકણના લગભગ ૮૦ વિસ્તારમાં પ્રથમ વરસાદે હાહાકાર મચાવ્યો છે. તારીખ ૨૫ મે નાંરોજ કોંકણમાં ચોમાસુ આવ્યું અને ભારે નુકસાન પહોંચાડયું છે. છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલો મુંબઈ-ગોવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રત્નાગિરિ અને રાયગઢ જિલ્લામાં કેટલીક જગ્યાએ કાદવ કદડો ફેલાતા હોવાને કારણે મુસાફરો માટે મુશ્કેલીનો વિષય બન્યો છે. જલ્લાના એક મહત્વપૂર્ણ ગામ દાપોલી, ખેડ જેવા મુખ્ય રાજ્ય માર્ગો બંધ થવા, ભૂસ્ખલન, રસ્તા તૂટી પડવા અને રસ્તાઓ પર કાદવ ફેલાવા જેવી ઘટનાઓ બની છે. તેથી પહેલા જ વરસાદમાં પરિવહન વ્યવસ્થાની મર્યાદાઓ ખુલ્લી પડી ગઈ છે.
રાયગઢ જિલ્લામાં મહાડ રાયગઢ કિલ્લા તરફ જતો રસ્તો પણ ક્ષતિગ્રસ્ત થયો હતો. પરંતુ મહાડ વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં સોમવારે સવારે રાયગઢથી રત્નાગિરિ જિલ્લાને જોડતી હાઇવે સુરંગ પર બે મોટા પથ્થરો પણ પડયા હતા. ચોમાસાના અકાળ આગમનથી સરકારી કામકાજમાં વિક્ષેપ પડયો છે. મુંબઈ-ગોવા હાઈવે, જે ઘણા વર્ષોથી નિર્માણાધીન છે, તે હજુ પણ ખરાબ હાલતમાં છે. લગભગ ૧૦૦ કરોડ રૂપિયાના મુખ્ય રાજ્ય ધોરીમાર્ગ પર છેલ્લા કેટલાક મહિનાઓથી તેનું કામ ચાલી રહ્યું છે. જોકે છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલા કામને કારણે, આ રૂટ પરના બે થી ત્રણ મહત્વપૂર્ણ પુલ હજુ સુધી પૂર્ણ થયા નથી. જેના કારણે વહીવટીતંત્રને આ રૂટ બંધ કરવો પડયો છે. રત્નાગિરિ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે, મુંબઈ-ગોવા હાઇવે અને ખતરનાક સ્થળો, ઘાટ વિસ્તારો, પુલો અને રસ્તાઓ પર પરિસ્થિતિ કથળી હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધ્યક્ષનું નિરીક્ષણ કર્યું અને જોખમી સ્થળોએ સલામતી અને નિવારક પગલાં અંગે સંબંધિત વિભાગોને યોગ્ય સૂચનાઓ આપી છે.
