Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સરકારની સ્પષ્ટતા : ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ રોકવાનો નિર્ણય બંને દેશોએ વાતચીત બાદ લીધો, આ નિર્ણયમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નથી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ અંગે માહિતી અને પ્રસારણ મંત્રાલય મહત્ત્વની પોષ્ટ કરી છે. મંત્રાલયે કહ્યું છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે સૈન્ય કાર્યવાહી (યુદ્ધવિરામ) રોકવાનો નિર્ણય બંને દેશોએ વાતચીત બાદ લીધો છે. આ નિર્ણયમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નથી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની મધ્યતાથી યુદ્ધવિરામ થઈ હોવાનો દાવો કર્યો હતો, જોકે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને આઈબી મંત્રાલયે તેમાં ત્રીજા દેશની કોઈ ભૂમિકા ન હોવાની માહિતી શેર કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આજે (10 મે) સાંજે 6 વાગ્યાને 7 મિનિટે એક પોસ્ટ કરવામાં આવી છે. તેમાં કહેવાયું છે કે, ‘ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા અંગે બંને દેશો વચ્ચે સીધી ચર્ચા થઈ હતી.

પાકિસ્તાનના ડીજીએમઓએ આજે ​​બપોરે કોલ કર્યો હતો, ત્યારબાદ ચર્ચા થઈ હતી અને સમજૂતી થઈ હતી. અન્ય કોઈ સ્થળે અન્ય કોઈ મુદ્દા પર વાતચીત કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.’ આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે પોસ્ટ કરીને જાણકારી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકાની મધ્યસ્થતામાં લાંબી વાતચીત બાદ જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણપણે અને તાત્કાલિક યુદ્ધવિરામ (સીઝફાયર) માટે તૈયાર થયા છે. બંને દેશોને શુભકામના’ .

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ X પર પોસ્ટ કરીને દાવો કર્યો છે, કે ‘છેલ્લા 48 કલાકમાં મેં અને ઉપપ્રમુખ જે.ડી.વેન્સે ભારત અને પાકિસ્તાનના ટોચના નેતાઓ સાથે વાતચીત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે પણ વાત કરાઈ છે. ત્યાર બાદ ભારત અને પાકિસ્તાન બંને યુદ્ધ વિરામ માટે રાજી થયા છે.’  ટ્રમ્પની પોસ્ટ બાદ ભારતીય વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ યુદ્ધ વિરામની જાહેરાત કરતાં કહ્યું છે કે, ‘પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઓપરેશને (DGMO) ભારતના DGMOને બપોરે 3.35 વાગ્યે ફોન કર્યો હતો. જે બાદ બંને દેશો દ્વારા જમીન, વાયુ અને સમુદ્રમાં સાંજે 5.00 વાગ્યાથી ફાયરિંગ અને સૈન્ય કાર્યવાહી બંધ કરાઈ છે.

હવે બંને દેશોના DGMO 12મી તારીખે બપોરે 12 વાગ્યે ફરી વાતચીત કરશે. ભારતીય વિદેશ મંત્રાલયે આજે સવારે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ભારતીય સેનાએ જણાવ્યું કે, પાકિસ્તાન સેનાના અગ્રીમ વિસ્તારમાં સેનાની તહેનાતી વધારાઈ રહી છે, જે સ્થિતિને ભડકાવવાનો પ્રયાસ કરે છે. સાથે જ સામાન્ય નાગરિકો અને સૈન્ય ઠેકાણાને નિશાન બનાવાઈ રહ્યા છે. શુક્રવારે રાત્રે 1:40 વાગ્યે પાકિસ્તાને પંજાબના એરબેઝ પર હાઇસ્પિડ મિસાઇલ છોડી હતી, જેને નષ્ટ કરી દેવાઈ છે. ત્યારબાદ ભારતીય વાયુસેનાના ફાઇટર વિમાનોએ પાકિસ્તાનના 6 સ્થળે હુમલા કર્યા. આ હુમલામાં પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે. પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાન પર ભારત વિશે ફેક ન્યૂઝ ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો. આ દરમિયાન કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાનના તમામ ખોટા દાવાની પોલ ખોલી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!