ગોધરા શહેરમાં આવેલી શાંતિનિવાસ સોસાયટીની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં પતિએ પોતાની પત્નીનું ગળુ દબાવીને હત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર સુનીલ ચંદવાની નામના પતિએ તેનીજ પત્ની વિદ્યાબેહેન ચંદવાનીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ દંપતિના 24 વર્ષના લગ્નજીવનમાં છેલ્લા કેટલાય સમયથી આડાસંબંધની આશંકાને લઈ પતિ સુનીલ ચંદવાની ઝઘડાઓ કરતો રહ્યો હતો.
વારંવાર થતા ઝઘડાઓને લઈ તેમની વચ્ચે વારંવાર સમાધાનના પ્રયાસો પણ થતા રહ્યા હતા. પરંતુ જાણે પતિ સુનીલ ચંદવાનીને ઝઘડા કરવાની ટેવ પડી ગઈ હોય તેમ પોતાની પત્ની પર શંકાના આધારે ઝઘડા કરતો રહ્યો હતો. આ ઝઘડાઓ ચરમસીમાએ પહોંચતા આખરે પતિ સુનીલ ચંદવાનીએ ગુસ્સામાં આવીને પત્ની વિદ્યાબહેનનું ગળું દબાવી દીધું હતું. જેમાં વિદ્યાબહેનનું ઘટનાસ્થળેજ મોત નિપજ્યું હતું. મૃતક વિદ્યાબહેનનના નાની બહેને સમગ્ર ઘટનાની જાણ થતા જ તે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચી ગઈ હતી.પોલીસે ફરિયાદ નોંધીને તાત્કાલિક પણે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરતા ગણતરીના કલાકોમાંજ આરોપી પતિ સુનિલ ચંદવાનીની ધરપકડ કરી દીધી હતી. આવી કરૂણ ઘટના ઘડાતા શાંતિનિવાસ સોસાયટીમાં તેમજ સમગ્ર ગોધરા પંથકમાં શોક અને આશ્ચર્યની લાગણી છવાઈ ગઈ હતી. પોલીસ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
