અમદાવાદનાં મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન એરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઓફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાને લઈને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે વાત કરી છે.
તેમણે તેમને અમદાવાદ જવા અને શક્ય તમામ સહાય સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. વડાપ્રધાન મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે.
તમામ ફ્લાઈટ્સ આગામી નિર્દેશ ન આવે ત્યાં સુધી સ્થગિત કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે ગ્રીન કોરિડોર બનાવાયો છે કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતનાં CM સાથે ટેલિફોનિક વાતચીત કરી સમીક્ષા કરી છે. ડીજીસીએ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 12 જૂન, 2025ના રોજ એર ઈન્ડિયાનું વિમાન (AI-171) 1.38 વાગ્યે ટેક ઓફ થયુ હતું. જે બે મિનિટમાં જ 1.40 વાગ્યે પહેલાં વૃક્ષ અને પછી સિવિલ સ્ટાફ ક્વાર્ટર્સ અતુલ્યમ બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયુ હતું. આ ટેક ઓફ થતાં જ પાયલોટ સુમિત સભરવાલે એટીસીને MAYDAY કૉલ આપ્યો હતો. પરંતુ એટીસી તરફથી કોઈ સિગ્નલ મળ્યુ ન હતું. અને ધડાકાભેર સાથે પ્લેન ક્રેશ થયુ હતું. બિલ્ડિંગનો પાયાના ભાગને મોટુ નુકસાન થતાં બિલ્ડિંગ ધરાશાયી થવાની અણી પર છે. મળતી માહિતી મુજબ, ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું.
આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઈન્ટર્ન ડોક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા. આ વિમાન જ્યાં તૂટી પડ્યું હતું એ રહેણાંક ઈમારત સિવિલ હોસ્પિટલની હોવાની માહિતી મળી રહી છે. જેના કારણે 15 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઈમારત આગમાં લપેટાઈ જતાં ધૂમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. આ દરમિયાન, વિમાનનું અત્યંત મહત્ત્વપૂર્ણ બ્લેક બોક્સ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ લેવામાં આવ્યું છે. આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની મહત્ત્વની જાણકારી પૂરી પાડશે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે. રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં.079-232-51900 અને મોબાઈલ નં.9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.
