અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ મુદ્દે મોટી અપડેટ આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ પ્લેન ક્રેશનો પ્રારંભિક રિપોર્ટ 11 જુલાઈ સુધી રજૂ થઈ શકે છે. ચાર-પાંચ પેજના આ રિપોર્ટમાં એર ઇન્ડિયાના દુર્ઘટના મુદ્દે શરૂઆતી આંકલન રજૂ કરવામાં આવશે. એર ઇન્ડિયાના વિમાન, ક્રૂ સભ્યો, અને હવાઈ મથકોની સ્થિતિ અને હવામાન અંગે માહિતી રજૂ થઈ શકે છે. આ રિપોર્ટમાં વિમાનને થયેલા નુકસાન અને તેના સંભવિત કારણોની રૂપરેખા રજૂ થઈ શકે છે.
આ રિપોર્ટમાં દુર્ઘટનાની તપાસ કરી રહેલા ઇન્વેસ્ટિગેટર ઇન્ચાર્જનું નામ પણ જાણવા મળી શકે છે. ચાર્ટ પ્રોગ્રેસ ઉપરાંત તપાસમાં કેવા પગલાં લેવામાં આવશે તેની રૂપરેખા પણ જાણી શકાશે. વધુમાં વિસ્તૃત તપાસની જરૂર છે કે કેમ તે મુદ્દે પણ સ્પષ્ટતા થશે. ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનની ગાઇડલાઇન્સ અનુસાર, વિમાન દુર્ઘટનાનાં 30 દિવસની અંદર પ્રારંભિક રિપોર્ટ રજૂ કરવાનો હોય છે. અમદાવાદમાં 12 જૂનના રોજ લંડન જઈ રહેલ એરઇન્ડિયાની બોઇંગ ડ્રીમલાઇનર 787-8 ફ્લાઇટ ટેક ઓફ થયાની થોડી જ ક્ષણોમાં ક્રેશ થઈ હતી. વિમાનમાં સવાર 241 મુસાફરો અને ક્રૂ સભ્યોના મોત થયા હતા. આ સિવાય વિમાન બીજે મેડિકલ કૉલેજની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું ત્યાં ઉપસ્થિત 28 જણ મોતને ભેટ્યા હતા. ફ્લાઇટના બ્લેક બોક્સ ડિકૉડ કરવાની કામગીરી થઈ રહી છે.
