ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક સ્થળો પર પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે અને નદીઓ પૂરમાં આવ્યા છે. ત્યારે ઉત્તરકાશી જિલ્લામાંથી એક કાર નિયંત્રણ ગુમાવીને નદીમાં ખાબકી હતી. જોકે નદીમાં ભારે પૂરના કારણે કાર ચાલકે બોનેટ પર ચઢી ગયો હતો અને સ્થાનિક લોકોએ તેમનું રેક્સ્યૂ કર્યું હતું. મળતી માહિતી મુજબ, શનિવારે યમુનોત્રી હાઇવે પર પાલીગાઢ ઓજરી ડાબરકોટ વચ્ચે સિલાઈ બંધ પાસે વાદળ ફાટતા ભારે તબાહી મચી ગઈ છે.
આ દરમિયાન રવિવારે મોરી વિકાસખંડના લિવાડી ફીતાડી રોડ પરથી એક કાર રૂપીન નદીમાં ખાબકી હતી. આ કારમાં માત્ર ડ્રાઈવર જ હતો. કાર નદીમાં પડતાની સાથે જ તે કાર ઉપર ચઢી ગયો હતો. જોકે, સ્થાનિક લોકોએ દોરડું ફેંકીને નદીની વચ્ચે ફસાયેલા ડ્રાઇવરને સુરક્ષિત રીતે બચાવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
હાલ વહીવટી તંત્રે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને વરસાદ દરમિયાન પહાડી વિસ્તારોમાં લોકોને ખૂબ કાળજી રાખવાની અપીલ કરી છે. હવામાન વિભાગ અનુસાર, સોમવારે ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી છે. ચંપાવત, દેહરાદૂન, હરિદ્વાર, નૈનિતાલ, પૌરી ગઢવાલ, રુદ્ર પ્રયાગ, ટેહરી ગઢવાલ, ઉધમ સિંહ નગર અને ઉત્તર કાશીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. કેદારનાથ હાઇવે પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યું છે. ત્યારે આદિ કૈલાશ યાત્રાનો માર્ગ ફરીથી બંધ કરવામાં આવ્યો છે.
