દેશભરમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. એક તરફ લોકોને ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવા, ટ્રાફિક જામ, ભૂસ્ખલન અને પૂર જેવી સમસ્યાઓ સર્જાઈ છે. તેની સૌથી વધુ અસર દિલ્હી-એનસીઆરમાં જોવા મળી રહી છે, જ્યાં થોડા કલાકોના વરસાદથી શહેરના રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા હતા. પરિસ્થિતિ એવી હતી કે ઘણાં વિસ્તારોમાં રસ્તાઓ પર વાહનો તરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ, આસામ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પરિસ્થિતિ ચિંતાજનક છે. અહેવાલો અનુસાર, દિલ્હી અને NCRનાં ઘણા ભાગોમાં બુધવારે સાંજે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે ભારત મંડપમ (પ્રગતિ મેદાન), ઝિલમિલ અંડરપાસ, કૃષ્ણા નગર, ITO, આઉટર રિંગ રોડ, કાલકાજી, આશ્રમ, વઝીરાબાદ, અક્ષરધામ અને મથુરા રોડ જેવા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા હતા.
RTR રોડ અને NH-48 પર ભારે ટ્રાફિક જામ થયો હતો. ઝાખીરા અંડરપાસ અને રોડ નંબર 40 પર પાણી ભરાઈ જવાને કારણે દિલ્હી ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડાયવર્ટ કર્યો હતો. ભારે વરસાદ બાદ ઉત્તરાખંડનાં ચમોલી અને બદ્રીનાથ હાઇવે પર ભૂસ્ખલનની સ્થિતિ યથાવત રહી. ચમોલીમાં વરસાદને કારણે કામેડા નંદપ્રયાગ અને અન્ય સ્લાઇડ ઝોન પર પથ્થરો પડી રહ્યા છે, જેના કારણે મુસાફરોને સલામત સ્થળોએ રોકવામાં આવ્યા છે. જ્યારે રુદ્રપ્રયાગમાં બદ્રીનાથ હાઇવે પર મુસાફરી કરવી મુશ્કેલ બની ગઈ છે.
જિલ્લા મુખ્યાલયથી લગભગ સાત કિ.મી. દૂર બદ્રીનાથ હાઇવે પર નારકોટા નજીક ટેકરી પરથી પથ્થરોનો વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે હાઇવે પર કલાકો સુધી જામ રહે છે અને ચાર ધામ યાત્રાળુઓ તથા સ્થાનિક લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારમે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. અત્યાર સુધીમાં 31 પૂર, 22 વાદળ ફાટવાના બનાવો અને 17 ભૂસ્ખલનનાં બનાવો નોંધાયા છે. આ અકસ્માતોમાં અત્યાર સુધીમાં 54 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં 174 રસ્તા બંધ છે, 740 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. મંડી, ઉના અને શિમલા જિલ્લામાં સામાન્ય કરતાં 80થી 90 ટકા વધુ વરસાદ નોંધાયો છે. પૂરપૂર્વીય આસામમાં પૂરની સ્થિતિ યથાવત છે.
અત્યાર સુધીમાં 30 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 29,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. ગોલાઘાટ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત છે. મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં વરસાદને કારણે લનવા અને તુઇથા નદીઓનું પાણીનું સ્તર વધ્યું છે. નેહસિયાલ વેંગ અને જૌમુનુઆમ જેવા ગામોમાં 100થી વધુ ઘરો પાણીમાં ડૂબી ગયા છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુનાના જળસ્તરમાં વધારો થવાને કારણે દશાશ્વમેઘ ઘાટ, રામ ઘાટ અને અન્ય ધાર્મિક સ્થળો પાણીમાં ગરકાવ થયા છે. દુકાનદારોનો સામાન ધોવાઈ ગયો છે અને નીચાણવાળા વિસ્તારોમાં ભય વધી ગયો છે. મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં સતત વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બ્રહ્મપુરી તાલુકાના 25 ગામોનો સંપર્ક તૂટી ગયો છે. ગોસીખુર્દ ડેમના દરવાજા ખોલ્યા બાદ વેંગંગા નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. પિંપળગાંવ ગામમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને 14 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. રાજસ્થાનના ધોલપુરમાં મનિયા શહેર અને રાષ્ટ્રીય ધોળપુર 44ની શેરીઓ ઘૂંટણિયે પાણીથી ભરાઈ ગઈ હતી. જેસલમેરના પોખરણ વિસ્તારમાં વરસાદથી ભરેલા ખાડામાં પડી જવાથી એક જ પરિવારના ચાર બાળકોના મોત થયા હતા.
