ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ ધામ પરથી પરત ફરી રહેલા 40 યાત્રાળુઓ સોનપ્રયાગ સ્લાઇડ ઝોનમાં ફસાયા હતા. જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે સોનપ્રયાગ નજીક સ્લાઇડ ઝોનમાં અચાનક ભૂસ્ખલન થયુ હતું. જેના લીધે 40 યાત્રાળુઓ ફસાઈ ગયા હતા. દુર્ઘટનાની જાણકારી મળતાં જ તૈનાત એસડીઆરએફના જવાન ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. એસડીઆરએફની ટીમે યાત્રાળુઓ સુધી સુરક્ષિત માર્ગ બનાવી તેમને સફળતાપૂર્વક સ્લાઇડ ઝોનમાંથી બહાર કાઢ્યા હતા.
તમામ યાત્રાળુઓ મોડી રાત્રે 1- વાગ્યે સ્લાઇડ ઝોનમાં ફસાયા હતા. ગત રવિવારે ભારે વરસાદ અને ભૂસ્ખલનની આશંકા વચ્ચે ચારધામ યાત્રા એક દિવસ માટે અટકાવી દેવામાં આવી હતી. લોકોની સુરક્ષા માટે સાવચેતીના પગલાં લેવાયા હતા.
મંડીમાં જ 13 લોકોના મોત થયા છે. જ્યારે 29 લોકો ગુમ છે. થુનાગમાં પાંચ, કરસોગમાં એક અને ગૌહરમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય જોગિન્દ્રનગરના સ્યાંજમાંથી બે મૃતદેહો મળી આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં સોમવારે રાત્રે આભ ફાટ્યું હતું. જેના લીધે 100થી વધુ રસ્તાઓ ધોવાઈ ગયા છે. ભૂસ્ખલનના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. 918 વીજ ટ્રાન્સફોર્મર, 683 પેયજળ સુવિધાઓ ઠપ થઈ છે. વીજ અને પાણી સેવા ખોટવાતાં સ્થાનિકો હાલાકીમાં મૂકાયા છે. હિમાચલ પ્રદેશમાં વરસાદની તારાજીના કારણે અંદાજે રૂ. 40702.43 લાખનું નુકસાન થયું છે. અલકનંદા નદીમાં જળ સ્તર વધી ગયા છે. ઓથોરિટીએ લોકોને નીચાણવાળા સ્તર અને નદી કિનારેથી દૂર રહેવા એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના 10 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. પુર અને ભુસ્ખલનથી અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે અને પ્રોપર્ટીને કરોડોનું નુકસાન થયુ છે.
