સોનગઢના વડદા ભેંસરોટ ગામના ટેમરી ફળિયામાં રહેતા ૨૯ વર્ષીય દાઉદભાઈ શિવાજીભાઈ ગામીતનો તેમના બે મામાઓ સાથે જમીનના હિસ્સાને લઈને ઝઘડો ચાલતો આવેલ હતો. દાઉદ ગામીતે તેના હિસ્સામાં આવેલ જમીનમાં છાપરી બનાવતા ગત તારીખ ૨૭/૩/૨૦૨૫ નારોજ તેના મામા રમેશભાઈ ભંગીયાભાઈ ગામીત ઘરે આવીને, ‘કોને પૂછ્યા વગર ઘરની છાપરી બનાવે છે’ કહી દાઉદ ગામીત સાથે ઝઘડો કર્યો હતો.
તે સમયે દાઉદ ગામીતે ‘જમીન બાબતે સમાધાન થઈ ગયું છે અને અમારા હિસ્સામાં જમીન છે એટલે છાપરી બનાવી છે’ એવું કહેતા રમેશ ગામીત ઉશ્કેરાઈ ગયો હતો અને દાઉદ ગામીતનો કોલર પકડી માર મારવા લાગ્યો હતો. આ દરમિયાન મામાનો છોકરો આશિષ રમેશભાઈ ગામીત અને નાના મામા અર્જુન ભંગીયાભાઈ ગામીત પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ગાળો આપી ત્રણેય જણાએ દાઉદ ગામીતને મારમાર્યો હતો.
પરંતુ આસપાસમાંથી દોડી આવેલા લોકોએ દાઉદને છોડાવ્યો હતો. તે વખતે પીધેલા જણાતા ત્રણેય જણા જતા જતા બીજી વાર છાપરી બનાવશે તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે દાઉદ ગામીતે ઉકાઈ પોલીસ મથકે ત્રણે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.




