વ્યારાના વેપારીએ દોઢેક વર્ષ પહેલાં રૂપિયા ૭૦,૦૦૦/- અને ત્યારબાદ રૂપિયા ૨૦,૦૦૦/- ૧૦ ટકા વ્યાજે બે ઇસમો પાસેથી લીધા હતા. જેમાં આજદિન સુધી વ્યાજ અને મૂડી સાથે રૂપિયા ૧,૨૦,૦૦૦ જેટલી રકમ ચૂકવી દેવા છતાં અવારનવાર વ્યાજ ધીરનારાઓ પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે. જેનાથી કંટાળી વેપારી ઘર ખાલી કરી ટેમ્પોમાં સામાન ભરી વતન જવા નીકળ્યો હતો. ત્યારે વેપારીનો ટેમ્પો અટકાવી જ્યાં સુધી નાણાં નહીં ચૂકવે ત્યાં સુધી વ્યારામાંથી બહાર નહીં જવા દેવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
મળતી માહિતી મુજબ, વ્યારાનાં પરિશ્રમ પાર્ક સોસાયટીમાં ભાડેથી રહેતા મૂળ જૂનાગઢના વતની ઉત્તમ જમનદાસ જારસાણીયાએ રીધમ હોસ્પિટલની બાજુમાં ઉત્સવ કલર નામની દુકાન ચાલુ કરી હતી. દોઢેક વર્ષ પહેલા પત્નીની ડિલિવરી વખતે નાણાંની જરૂરિયાત ઊભી થતા રૂપિયા ૭૦,૦૦૦/- ૧૦ ટકા વ્યાજે ગોવિંદભાઈ ત્રિલોકીપ્રસાદ પટેલ પાસેથી લીધા હતા. ત્યારબાદ ફરીથી નાણાંની જરૂરિયાત પડતા રૂપિયા ૨૦,૦૦૦/- ફરીથી ૧૦ ટકા વ્યાજે લીધા હતા. જે વ્યાજે લીધેલા નાણાંની સામે આજદિન સુધી વ્યાજ અને મૂડીના કુલ રૂપિયા ૧,૨૦,૦૦૦/- ચૂકવેલા હતા.
પરંતુ વેપારીની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી સમયસર પૈસા ચૂકવતા ન હોવાથી વ્યાજે નાણાં આપનાર ગોવિંદભાઈ તથા તેમના ભાઈ દિનેશભાઈ (બંને રહે.દાદરી ફળિયું, વ્યારા) અવારનવાર દુકાને તથા ઘરે આવી નાણાંની પઠાણી ઉઘરાણી કરતા રહ્યા હતા. વેપારીએ પોતાની દુકાન પણ બંધ કરી દીધી હોય જેઓ તારીખ ૧૮ નારોજ ઘર ખાલી કરી સામાન ટેમ્પોમાં ભરી રાજકોટ ખાતે જતા હતા. તે દરમિયાન શંકર ફળિયા પાસે રોડ ઉપર ગોવિંદભાઈ ત્રિલોકપ્રસાદ પટેલ તથા દિનેશભાઈ ત્રિલોકપ્રસાદે આવી સામાન ભરેલા ટેમ્પો રોકી, વ્યાજ અને મૂડીના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી, નાણાં ચૂકવી જાવ નહીં તો વ્યારાથી બહાર નહીં જવા દેવ તેવી ધમકી આપવા લાગ્યા હતા. વ્યાજે નાણાં આપનાર ગોવિંદભાઈ તથા તેમના ભાઈની સામે ઉત્તમ જારસાણીયાએ વ્યારા પોલીસ મથકે તારીખ ૧૮/૩/૨૦૨૫ નારોજ ફરિયાદ કરી હતી.




