રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ત્યારે આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીનો પારો હાઇ રહેશે. હવામાન વિભાગે આગામી 8 એપ્રિલ 2025 સુધી હીટવેવની સ્થિતિને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ખાસ કરીને હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતનાં વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપી છે. જ્યારે 4 એપ્રિલ, 2025એ અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીને લઈને હીટવેવની યલો અને ઓરેન્જની આગાહી કરવામાં આવી છે.
જેમાં 4-5 એપ્રિલમાં કચ્છ, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં હીટવેવનું યલો ઍલર્ટ અને પોરબંદર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ગરમીનો પારો હાઇ જઈ રહ્યો છે, ત્યારે આગામી 6-7 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ અને 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
જેમાં ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્રના મોરબી અને જૂનાગઢ જિલ્લામાં યલો એલર્ટ અને કચ્છ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આગામી 8 એપ્રિલે ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢમાં યલો એલર્ટ અને કચ્છ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટની આગાહી છે. હીટવેવથી બચવા માટે ગરમીના સંપર્કમાં આવવાનું ટાળો, તરસ ન લાગી હોય તો પણ પૂરતું પાણી પીવો, પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે ORS, લસ્સી, ચોખાનું પાણી (તોરાની), લીંબુ પાણી, છાશ વગેરે જેવા ઘરે બનાવેલા પીણાંનો ઉપયોગ કરવો જોઈએ.
