રાજ્યમાં હજુ વરસાદ ખમૈયા કરવાના મૂડમાં નથી. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી ત્રણ દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, શુક્રવારે ગુજરાતના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે.
આ સિવાય શનિવારે રાજ્યના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આશંકા છે. જેમાં રવિવારે પણ રાજ્યના દરેક જિલ્લામાં ગાજવીજ સાથે અમુક જગ્યાએ હળવાથી મધ્યમ સ્તરે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ દિવસથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનના કારણે ગુજરાતમાં મેઘરાજા સતત 48 કલાકથી બેટિંગ કરી રહ્યા છે. એવામાં ભારે પવન સાથેના વરસાદના કારણે અનેક જાનહાનિ અને માલહાનિના સમાચાર પણ સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં 21 લોકોના મોત થયા છે, 20થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ સિવાય 45થી વધુ પશુના મોત થયા છે.
