દેશમાં મુંબઈ સહિત અનેક શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે, જ્યારે કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડતા લોકો અસહ્ય બફારાથી પરેશાન થઈ ગયા છે. જોકે હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી કહી રહી છે કે, મે મહિનામાં પડી રહેલો વરસાદ માત્ર ટ્રેલર છે, મેઘરાજાનું અસલી તાંડવ તો જૂન મહિનામાં જોવા મળશે. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે, ‘આ વખતે કેરળમાં આઠ દિવસ પહેલા એટલે કે 24 મેએ ચોમાસું પહોંચી ગયું છે. ચોમાસાની વહેલી એન્ટ્રીથી છેલ્લા 16 વર્ષનો રેકોર્ડ તુટી ગયો છે. આ પહેલા વર્ષ 2009માં 23 મેએ ચોમાસાની કેરળમાં એન્ટ્રી થઈ હતી.
આઈએમડીના લેટેસ્ટ અપડેટ મુજબ, ચોમાસુ દેશભરના અનેક ભાગોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે ચોમાસા અંગેના લેટેસ્ટ અપડેટ-2025માં કહ્યું છે કે, આ વખતે ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે, જે ખેડૂતો માટે રાહતની વાત છે.
ગત વર્ષે કેરળમાં 30 મેએ ચોમાસાની એન્ટ્રી થઈ હતી. જ્યારે 2023માં 8 જૂને અને 2022માં 29 મેએ અને 2021માં 3 જૂન, જ્યારે 2020માં પહેલી જૂને ચોમાસાનું આગમન થયું હતું. સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની શરુઆત કેરળમાં 1 જૂન સુધીમાં થઈ જાય છે અને 8 જુલાઈ સુધીમાં આખા દેશને આવરી લે છે. તેમજ 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તરપશ્ચિમ ભારતમાંથી અને 15 ઑક્ટોબર સુધીમાં દેશભરમાંથી ચોમાસું વિદાય લઈ લે છે. હવામાન વિભાગ અનુસાર 96 ટકાથી 104 ટકા સુધીનો વરસાદ સામાન્ય મનાય છે. 90 ટકાથી ઓછો વરસાદ ઓછો અને 90થી 95 ટકા સુધીનો વરસાદ સામાન્ય કરતાં ઓછો મનાય છે. ભારતના કૃષિ ક્ષેત્ર માટે ચોમાસુ ખૂબ જ મહત્ત્વનું છે. દેશની 42 ટકા વસ્તી આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે અને આ ક્ષેત્ર દેશના વિકાસમાં 18 ટકા ફાળો આપે છે. દેશના જળાશયો ભરવા અને વીજળી ઉત્પન્ન કરવા માટે પણ ચોમાસાનો વરસાદ મહત્વપૂર્ણ છે.
