દેશનાં ઘણા રાજ્યોમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં વરસાદ અને જોરદાર વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. ગુરુવારે સાંજે દિલ્હી-એનસીઆરમાં ધૂળનું તોફાન આવ્યું હતું. આગામી થોડા કલાકોમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. તેમજ ઉત્તર પ્રદેશમાં કરા પડવા સહિત ઓરેન્જ એલર્ટ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)નાં જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી દેશના ઉત્તર-પશ્ચિમ પ્રદેશ-પંજાબ અને હરિયાણામાં વાવાઝોડા અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
તેમજ યેલો એલર્ટ અને શુક્રવાર માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. તેમજ જમ્મુ અને કાશ્મીરમાં પણ વરસાદ અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ઉત્તરપ્રદેશમાં કરા સહિત ઓરેન્જ એલર્ટ છે. ખાસ કરીને દિલ્હીમાં આજે વાવાઝોડા, ભારે પવન અને હળવો વરસાદ થવાની શક્યતા છે અને હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. બુધવારે કેરળના વિવિધ ભાગોમાં ભારે વરસાદ અને જોરદાર પવનને કારણે વૃક્ષો ઉખડી ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને નદી કિનારાના વિસ્તારોમાં પૂર આવ્યું. વાયનાડ જેવા ઘણા પહાડી વિસ્તારોમાં લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા.
ઘણા ઘરોને નુકસાન થયું, પાકને પણ નુકસાન થયું. તેમજ કેરળના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ચોમાસાના વહેલા આગમનના કારણે, મહારાષ્ટ્રમાં 24 મેથી ભારે વરસાદ પડી રહ્યો છે. આના કારણે રાજ્યનાં લગભગ તમામ વિસ્તારો પ્રભાવિત થયા છે. જેના કારણે 16 લોકોના મોત થયા છે. જેમાં પૂણે જિલ્લામાં ત્રણ લોકોના મોત થયા છે. થાણે, લાતુર અને ભંડારામાં બે-બે લોકોના મોત થયા છે. રાયગઢ, અહિલ્યાનગર, નાગપુર, વર્ધા, ચંદ્રપુર, મુંબઈ ઉપનગરીય અને ગોંદિયા જિલ્લામાં એક-એકનું મોત નોંધાયું છે, એમ અહેવાલમાં જણાવાયું છે.
