દેશમાં છેલ્લા ઘણાં દિવસોથી પડી રહેલી આકરી ગરમીથી લોકોને થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગે દેશનાં લગભગ 18 રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ભારતના બિહાર, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તર-પૂર્વ રાજ્યો, કેરળ અને તમિલનાડુનો સમાવેશ થાય છે. 15મી માર્ચ સુધી આ રાજ્યોમાં વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, બે ચક્રવાતને કારણે આગામી થોડા દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

તારીખ 15મી માર્ચ સુધી ભારતના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તારીખ 13મીથી 15મી માર્ચ સુધી હવામાન ખરાબ રહેવાની શક્યતા છે અને ભારે વરસાદ, હિમવર્ષા અને વાવાઝોડાની શક્યતા છે. જ્યારે તારીખ 13મી માર્ચે પંજાબ અને હરિયાણામાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજસ્થાનમાં 13મીથી 15મી માર્ચ દરમિયાન વરસાદ પડી શકે છે. બાંગ્લાદેશમાં રચાયેલા ચક્રવાતને કારણે, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વ ભારતમાં ભારે વરસાદ પડી શકે છે. તારીખ 13મીથી 15મી માર્ચ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ ગુજરાતમાં હીટવેવની ચેતવણી છે.



