Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં ‘આચ્છાદન’ની બહુઆયામી ભુમિકા રહેલી છે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પ્રાકૃતિક ખેતી એ જમીનનાં પોષકતત્વોનું રક્ષણ કરતી વિશિષ્ટ ખેતીપદ્ધતિ છે. પ્રાકૃતિક ખેતીમાં વિવિધ કુદરતી ચક્રો તેમજ જીવામૃત, ઘનજીવામૃત, વાપ્સા વ્યવસ્થાપન, આચ્છાદન અને સહજીવી પાક પદ્ધતિ વગેરેના સુમેળભર્યા ઉપયોગથી રાસાયણિક ખાતરો કે જંતુનાશકો વગર સફળ પાક લેવામાં આવે છે. હાલનાં સમયમાં ઓછા ખર્ચે સ્વાસ્થ્યપ્રદ ખેતપેદાશો આપતી પ્રાકૃતિક ખેતી એક વ્યવહારીક ખેતી તરીકે પ્રચલિત થઈ રહી છે. પદ્મશ્રી સુભાષ પાલેકરજીના સંશોધન અને તાંત્રિક સહયોગથી ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા વર્ણવાયેલ પ્રાકૃતિક કૃષિપદ્ધતિ અનુસાર પ્રાકૃતિક ખેતીમાં આચ્છાદન(મલ્ચિંગ)ની મહત્વની ભુમિકા વિષે આ લેખમાં જાણીએ.

પ્રાકૃતિક ખેતીમાં જમીનને કોઈપણ સામગ્રીથી ઢાંકવાની પ્રક્રિયાને આચ્છાદન(મ્લ્ચીંન્ગ) કહેવાય છે. જેમાં મુખ્યત્વે પાંદડા, ઘાસ, ખાતર અથવા પ્લાસ્ટિકની શીટનો ઉપયોગ કરવામાં આવે છે. આ આચ્છાદનનું અદ્ભુત પરિણામ મળે છે. જેટલી જમીનને ઢાંકીને રાખીએ, તેટલો જ તેનો સેન્દ્રિય કાર્બન વધે છે. પાક લણ્યા બાદ વધતા અવશેષોને ખેતરમાં સળગાવવાથી પ્રદૂષણ વધે છે અને ખેડૂત માટે ઉપયોગી એવા મિત્ર કીટકો નાશ પામે છે. તેથી આ પાક અવશેષોને સળગાવવા જોઇએ નહીં પરંતુ આચ્છાદનના રૂપમાં જમીનને ઢાંકવા માટે વાપરવા જોઈએ. આ આચ્છાદનના ઘણા બધા ફાયદાઓ છે.

પ્રથમ ફાયદો એ કે તે જમીનનો સેન્દ્રિય કાર્બન હવામાં ઉડી જતાં રોકે છે. નિષ્ણાંતોના અભિપ્રાય મુજબ જ્યારે ધરતીનું તાપમાન ૩૫ ડિગ્રી કે તેનાથી વધી જાય ત્યારે જમીનનો સેન્દ્રિય કાર્બન હવામાં ઉડવાનો શરૂ થઈ જાય છે, જે વાતાવરણમાં જઈને વાયુ પ્રદુષણ કરે અને ગ્લોબલ વોર્મિંગમાં પણ ભાગ ભજવે છે.  જો આપણે જમીનને આચ્છાદનથી ઢાંકીને રાખીએ તો તેનો સેન્દ્રિય કાર્બન ઊડશે નહીં અને જમીનની ઉત્પાદન શક્તિ ઓછી થતી અટકશે, જેથી ફળદ્રુપતા વધશે. બીજો ફાયદો એ કે આચ્છાદનથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે. માટીના બે કણોની વચ્ચે ૫૦ ટકા ભેજ અને ૫૦ ટકા વાયુની જરૂરિયાત હોય છે.

આચ્છાદન વરાપ બનાવે છે તેમજ જમીનમાં હ્યુમસ નિર્માણ કરે છે. એક કિલો હ્યુમસ વાતાવરણમાંથી ૫ થી ૬ લીટર પાણીને ખેંચીને છોડને ભેજના રૂપમાં આપે છે, જેનાથી છોડની ભેજની જરૂરિયાત સંતોષાય છે. આચ્છાદન જમીનની સપાટી પર એક સ્તર બનાવે છે, જે પાણીના બાષ્પીભવનને રોકે છે અને જમીનમાં ભેજ જાળવી રાખે છે. આચ્છાદનથી જમીનમાં ભેજ જળવાઈ રહેતાં  ૫૦ ટકા પાણીની બચત થાય છે. ત્રીજો ફાયદો એ કે આચ્છાદન સુક્ષ્મ જીવાણુઓને પોષણ પુરું પાડે છે. જીવામૃતમાં જીવાણુઓ વધારવા માટે અને તેને પોષણ આપવા માટે ગોળ અને કઠોળનો લોટ ઉમેરવામાં આવે છે. જીવામૃત ખેતરમાં  નાંખવાથી જમીનમાં આવેલાં આ જીવાણુઓ પોતાનું ભોજન આચ્છાદનમાંથી બનાવે છે, અને તેને ખાઈને હ્યુમસનું નિર્માણ કરે છે, જે છોડના વિકાસમાં મદદરૂપ થાય છે. ચોથો ફાયદો એ કે આચ્છાદનથી નિંદણની સમસ્યા ઓછી થાય છે. ખેડતો માટે ખેતરમાં નિંદામણ બહુ મોટી સમસ્યા છે. તેનું નિયંત્રણ કરવા માટે મજૂરની જરૂર પડતી હોય છે.

જો ખેતરને આચ્છાદનથી ઢાંકી દેવામાં આવે તો ખેતી પાકમાં નિંદામણનું નિયંત્રણ થશે. કારણ કે,આ આચ્છાદનથી નિંદામણના બીજને અંકુરિત થવા કે ઉગેલા નિંદામણને વધવા જરૂરી સૂર્યપ્રકાશ તેના સુધી પહોંચશે નહીં. પાંચમો અને મોટો ફાયદો એ છે કે તે અળસિયાઓનું રક્ષણ કરે છે. અળસિયાંઓ સામાન્ય રીતે ખેતરમાં ફક્ત રાત્રીના અંધારામાં જ કામ કરે છે કારણ કે, દિવસના પક્ષીઓ તેનો શિકાર કરે છે. તેથી તે ઉપર આવતા નથી. જો ખેડૂત ખેતરમાં આચ્છાદન કરે તો આ અળસિયાં આચ્છાદનથી થતા અંધારામાં દિવસ રાત કામ કરે છે. તે જમીનમાં ઓક્સિજનનો સંચાર કરે છે, ખાતર પણ તૈયાર કરે છે. અળસિયાં દ્વારા બનાવવામાં આવેલાં અનેક છિદ્રો દ્વારા વરસાદનું પાણી જમીનમાં નીચે ઊતરી જાય છે, તેથી જમીનનું ભૂગર્ભ જળસ્તર ઉપર આવે છે. ઉપરાંત જમીનમાં ભેજ જળવાઈ રહે છે, અને સખત ગરમીમાં પણ છોડ સુકાતા નથી. જ્યારે આચ્છાદન સડે છે ત્યારે તે જમીનમાં પોષક તત્ત્વો ઉમેરે છે અને જમીનની ફળદ્રુપતા વધારે છે. આમ, અનેકવિધ  ફાયદાઓ આચ્છાદનથી થાય છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!