ગાંધીનગરમાં ભાટ પાસે આવેલી હોટલ જર્મન પેલેસમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડીને અડાલજ પોલીસ ૧.૧૭ લાખના મુદ્દામાલ સાથે ૮ જુગારીઓને ઝડપી લીધા હતા. બીજી બાજુ સે- ૨૧ પોલીસે પણ ચરેડીમાંથી પાંચ જુગારીઓને ઝડપી લીધા હતા. અડાલજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, ભાટ ગામ ખાતે આવેલી હોટલ જર્મન પેલેસના રૃમ નંબર ૧૦૫માં હાસોલ સરદાર નગરમાં રહેતો હેમંત મુરતમલ વાધવાની બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડી રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસને અહીં દરોડો પાડતા જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી.
જોકે પોલીસે આ રૂમમાંથી જુગાર રમતા હેમંતની સાથે સરદાર નગરના અમૃત રમેશલાલ મલકાની, મનોહર શીતલદાસ ગલવાની, કમલેશ હરેશભાઈ મખીજા, ગિરીશ ઉંદરલાલ જયસિંધાની, ભાટ ગામના દીપક ગંગારામ મૂળચંદાની અને નાના ચિલોડાના ભરત મહેશકુમાર મુરલીચંદાની તેમજ શ્યામ મુરલીધર મખીજાને જુગાર રમતા ઝડપી પાડયા હતા. જેમની પાસેથી ૫૨ હજાર ઉપરાંત રોકડ અને મોબાઈલ મળી કુલ ૧.૧૭ લાખ રૂપિયાના મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. તો બીજી બાજુ સેક્ટર ૨૧ પોલીસ દ્વારા ચરેડી વિસ્તારમાં દરોડો પાડીને જુગાર રમતા રાજેશ કાનાજી ઠાકોર, વિક્રમ રાજુભાઈ ઠાકોર, સુરેશ ધર્મુભાઈ ઠાકોર, રાધન નાથુંભાઈ ઠાકોર અને વિષ્ણુ દેવાભાઈ ઠાકોરને ઝડપી લીધા હતા જેમની પાસે ૧૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.




