સમાપ્ત થયેલ નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ પેટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સરકારને રૂપિયા ૨.૫૦ લાખ કરોડ જેટલું જંગી ડિવિડન્ડ ચૂકવશે તેવી શકયતા જોવાઈ રહી છે. નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં રિઝર્વ બેન્કે સરકારને રૂપિયા ૨.૧૦ લાખ કરોડ ડિવિડન્ડ પેટે ચૂકવ્યા હતા. ગયા નાણાં વર્ષ પેટે રૂપિયા ૨.૫૦ લાખ કરોડની ડિવિડન્ડ આવકને જોતા સરકારે વર્તમાન નાણાં વર્ષમાં બજારમાંથી ઉછીના નાણાં લેવાની માત્રામાં ઘટાડો જોવા મળશે એમ એક બેન્કરે જણાવ્યું હતું. ગયા નાણાં વર્ષમાં રિઝર્વ બેન્કની બેલેન્સ શીટ મજબૂત બની હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.
વર્તમાન નાણાં વર્ષના બજેટમાં સરકારે રિઝર્વ બેન્ક પાસેથી રૂપિયા ૨.૨૦ લાખ કરોડ પ્રાપ્ત થવાની ધારણાં મૂકી છે. દેશના અર્થતંત્રને ટેકો પૂરો પાડવા સરકાર વધુ ખર્ચ કરવા ધારે છે ત્યારે રિઝર્વ બેન્ક તરફથી વધારાની આવક રાહતરૂપ બની રહેશે. રૂપિયામાં સ્થિરતા જાળવવા ડોલરના વેચાણ તથા લિક્વિડિટી પૂરી પાડવા બેન્કોને અપાયેલા ભંડોળ પેટે વ્યાજની આવકમાં વધારો થતાં રિઝર્વ બેન્ક પાસે નાણાંનો પ્રવાહ વધ્યો હોવાનું માનવામાં આવે છે. ડિવિડન્ડની રકમની જાહેરાત રિઝર્વ બેન્ક મેના અંતે જાહેર કરશે. ગયા વર્ષે રૂપિયા બે લાખ કરોડથી વધુની ચૂકવણીથી અનેક લોકોને આશ્ચર્ય થયું હતું.
ડિવિડન્ડ મારફતની ઊંચી આવકને કારણે સરકારને રાજકોષિય ખાધ નીચે લાવવામાં મદદ મળે છે એમ એક અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું. રિઝર્વ બેન્કનું નાણાંકીય વર્ષ જે અગાઉ જુલાઈથી જૂન રહેતું હતું તે છેલ્લા કેટલાક વર્ષથી બદલાવીને એપ્રિલથી માર્ચ કરી નંખાયુ છે. વધારાની રકમ ટ્રાન્સફર કરવામાં બિમલ જાલન સમિતિએ કરેલી ભલામણને ધ્યાનમાં લેવામાં આવે છે, એમ પણ સુત્રોએ જણાવ્યું હતું. જાલન સમિતિની ભલામણ પ્રમાણે આકસ્મિક સમયની આવશ્યકતાને પહોંચી વળવા રિઝર્વ બેન્કે તેની બેલેન્સશીટસના ૫.૫૦થી ૬.૫૦ ટકા રકમ જાળવી રાખવાની રહે છે. સિક્યુરિટીઝના ઘસારા અથવા વિનિમય દરની નીતિને લગતા જોખમો વગેરેને કારણે ઊભી થતી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા આ રકમ જાળવી રાખવાની રહે છે.



