મે ૨૦૨૫માં, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ દ્વારા વ્યવહારો સંખ્યાની દ્રષ્ટિએ ૧૮.૬૮ અબજ અને મૂલ્યની દ્રષ્ટિએ રૂ.૨૫.૧૪ લાખ કરોડ સુધી પહોંચ્યા છે. એપ્રિલ ૨૦૧૬માં ડિજિટલ ચુકવણી પ્રણાલી લાગુ થયા પછી આ અત્યાર સુધીનું સૌથી ઉચ્ચ સ્તર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, મે મહિનાના આંકડા અનુક્રમે એપ્રિલના ૧૭.૮૯ અબજ વ્યવહારો સંખ્યાની દ્રષ્ટિએ અને રૂ.૨૩.૯૫ લાખ કરોડ વ્યવહારો કરતાં ૪ ટકા અને ૫ ટકા વધુ છે. મે ૨૦૨૫માં સંખ્યાની દ્રષ્ટિએ વ્યવહારો ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૩૩ ટકા વધ્યા હતા. જ્યારે મૂલ્યની દ્રષ્ટિએ તેમાં ૨૩ ટકાનો વધારો થયો હતો.
અગાઉ સંખ્યાની દ્રષ્ટિએ વ્યવહારો માર્ચ ૨૦૨૫માં ૧૮.૩ અબજની ટોચે પહોંચ્યા હતા અને મૂલ્યની દ્રષ્ટિએ રૂ.૨૪.૭૭ લાખ કરોડનો રેકોર્ડ હતો. આ વર્ષે મે મહિનામાં દૈનિક વ્યવહારોની સંખ્યા પણ વધીને ૬૦.૨ કરોડ થઈ ગઈ છે જે એપ્રિલમાં ૫૯.૬ કરોડ હતી.
આ મહિના દરમિયાન, ફાસ્ટેગ દ્વારા વ્યવહારો સંખ્યાની દ્રષ્ટિએ ૫ ટકા વધીને ૪૦.૪ કરોડ થયા હતા, જે એપ્રિલમાં ૩૮.૩ કરોડ હતા. મૂલ્યની દ્રષ્ટિએ વ્યવહારો પણ ૪ ટકા વધીને રૂ.૭,૦૮૭ કરોડ થયા, જે એપ્રિલમાં રૂ. ૬,૮૦૧ કરોડ હતા. મે ૨૦૨૪ ની તુલનામાં મે ૨૦૨૫ માં ફાસ્ટેગની સંખ્યામાં ૧૬ ટકા અને મૂલ્યમાં ૨૦ ટકાનો વધારો થયો છે. સમીક્ષા હેઠળના મહિનામાં આધાર સક્ષમ ચુકવણી સિસ્ટમ દ્વારા વ્યવહારો પણ સંખ્યાની દ્રષ્ટિએ ૧૧ ટકા વધીને ૧૦.૫ કરોડ થયા હતા, જે એપ્રિલમાં ૯.૫ કરોડથી વધુ છે. મૂલ્યની દ્રષ્ટિએ, મે મહિનામાં વ્યવહારો રૂ.૨૮,૭૦૩ કરોડ થયા, જે એપ્રિલમાં રૂ. ૨૬,૬૧૮ કરોડથી ૮ ટકા વધુ છે.
