અમદાવાદનાં કોટ વિસ્તારમાં પોલીસની નિષ્ક્રયતાનાં કારણે અસામાજિક તત્વો બેફામ બનીને નિર્દોષ લોકો ઉપર હુમલા કરી રહ્યા છે. જેમાં મધરાતે શ્રમજીવી યુવક રતનપોળના નાકે સૂતો હતો તેને રિક્ષા ચાલકે જગાડીને ‘તું અહિયા કેમ સૂવે છે’ કહીને ઢોર માર મારીને ગળા તથા હાથે છરીના ઘા મારીને આરોપી નાસી ગયો હતો. ગંભીર હાલતમાં યુવક સિવિલ હોસ્પિટલમાં હાલમાં સારવાર હેઠળ છે. બનાવ અંગે કાલુપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કાલુપુર રિલીફરોડ રતનપોળના નાકે ફૂટપાથ પર રહેતા અને મજૂરી કામ કરતા ચીનુંભાઇ નાનજીભાઈ દેવીપૂજક (ઉ.વ.35 )એ કાલુપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે, યુવક મંગળવારે મજૂરી કામ કરીને આવીને રતનપોળના નાકે ફૂટપાથ ઉપર સૂતો હતો ત્યારે રિક્ષા ચાલકે તેને ભર નિદ્રામાંથી જગાડયો હતો અને ‘તું અહિયા કેમ સૂવે છે’ કહીને ઢોર માર મારીને ગળા તથા હાથે છરીના ઘા મારીને આરોપી નાસી ગયો હતો. બનાવના પગેલે બુમાબુમ થતાં રિલીફ રોડ ઉપર લોકો દોડી આવ્યા હતા અને રિક્ષા ચાલકો નાસી ગયા હતા. કોઇકે ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી અને ઇજાગ્રસ્ત યુવકને ગંભીર હાલતમાં યુવક સિવિલ હોસ્પિટલમાં હાલમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે કાલુપુર પોલીસે ગુનો નોંધી રિલીફ રોડ ઉપરના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી હતી.



