રાજયમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર સતત કાર્યરત છે. ગુજરાત રાજય સરકાર દ્વારા ગૌશાળા, પાંજરાપોળ, સહકારી સંસ્થાઓ, સખી મંડળ અને ખેડૂત ગ્રુપ દ્વારા પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વગેરે બનાવી ખેડૂતોને વિતરણ કરવા જરુરી માળખાકિય સુવિધા માટે સંસ્થાઓ-ગ્રુપને પ્રોત્સાહન આપવા સહાય યોજના અમલી બનાવી છે. જેનો મુખ્ય ઉદેશ્ય અન્ય ખેડુતો પણ પ્રાકૃતિક ખેતી કરતાં થાય તેમજ ખેડુતોને સહેલાઇથી જીવામૃત- બીજામૃત વિગેરે સહેલાઇથી મળી શકે તે માટે તે માટે સરકારે અમલી બનાવેલ આ યોજનામાં ૫૦ ટકા ની સહાય પણ આપવામાં આવે છે.
દેશના પ્રથમ પ્રાકૃતિક ડાંગ જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતાં થયા છે. અને તેમાય ખાસ કરીને મહિલા ખેડુતોઓ પણ હવે આત્મા પ્રોજેક્ટ દ્વારા આયોજીત પ્રાકૃતિક કૃષિની તાલીમો મેળવી પ્રગતીશીલ મહિલા ખેડુતનું બિરૂદ મેળવ્યું છે. 
લક્ષ્મીબેન જણાવે છે કે, તેઓ છેલ્લાં પાંચ વર્ષ થી સંપુર્ણ પણે પ્રાકૃતિક ખેતી અપનાવી રાસાયણીક ખાતરોને તિતાજંલી આપી ચુક્યાં છે. પ્રાકૃતિક ખેતીની સંધન તાલીમ મેળવી, તેમજ મોડેલ ફાર્મના પ્રવાસ કાર્યક્રમો થકી તેઓએ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. પોતાની ૨.૪ હેક્ટર જમીનમાં તેઓ ચોમાસાની રૂતુમાં ડાંગર, નાગલી(રાગી), વરાઇ, રવિ પાકમાં મગફળી, તુવેર, ચણાં, ઉનાળાની રૂતુમાં તેઓ વિવિધ શાકભાજી વગેરેની ખેતી કરી વર્ષે ૩ લાખ થી પણ વધુની આવક મેળવી રહ્યાં છે. લક્ષ્મીબેન વધુમાં જણાવે છે કે, પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત ઘન જીવામૃત બનાવવા તથા વિતરણ માટે માળખાકીય સુવિધાના નિર્માણ માટે તેઓના સખી જુથને ૫૦ ટકા સુધીની સહાય રૂ.૬૦,૦૦૦ની સહાય પ્રાપ્ત થઇ છે.
જેમાં તેઓએ ૫,૦૦૦ લિટરની ક્ષમતા વાળી HDPE ટાંકી, ઘન જીવામૃત બનાવવા માટે પાકું મજબૂત ૨૦૦ ચોરસ ફુટનું ભોંયતળિયું બનાવ્યું છે. સાથે પ્લાસ્ટિકના ૨૦ લીટરના ૨૦ કેરબા, ૫ નંગ ડોલ ટોકર અને ૧ નંગ સ્ટરર વગેરે માળખાકીય સુવિધાઓને ઉભી કરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધે તે માટે રાજ્યના ખેડૂતોને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના પ્રાથમિક તબક્કે પ્રોત્સાહક પરિણામો જોતા રાજ્યના અનેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવતા થયા છે. પ્રાકૃતિક ખેતી કરીને આત્મનિર્ભર બની રહેલાં ડાંગ જિલ્લાના સતી ગામની સખીમંડળ બહેનો દ્વારા જીવામૃત ઉત્પાદનના મીની યુનિટ સ્થાપી ખેડૂતોને વેચાણ કરી બહેનોને સ્વનિર્ભર બનાવવા અને મહિલા સશક્તિકરણનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે. સખીમંડળની બહેનો દ્વારા વ્યાપારીક ધોરણે જીવામૃત ઉત્પાદન કરી જિલ્લા તેમજ અન્ય ખેડૂતોને વિતરણ કરી રહ્યાં છે.




