Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રાજ્ય સરકારે ‘16મી સિંહ વસ્તી ગણતરી 2025’નાં આંકડા જાહેર કર્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ-2025 10 મેથી 13મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવ્યો હતો. આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાના 58 તાલુકાના 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવ્યો હતો. સરકારે ’16મી સિંહ વસ્તી ગણતરી 2025’ના આંકડા જાહેર કર્યા હતા. ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીની કુલ સંખ્યા 891 થઈ છે, જેમાં 196 નર, 330 માદા, 140 પાઠડા, 225 બચ્ચા નોંધાયા છે. છેલ્લે 2015માં થયેલી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 27 ટકાના વધારા સાથે 523 નોંધાઈ હતી.

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ‘મેક ઈન ઇન્ડિયા’નાં લોગોમાં એશિયાઇ સિંહ સ્થાન પામ્યો છે, ત્યારે વન વિભાગે પણ સિંહોના આશ્રય સ્થાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત ગત વર્ષથી સિંહોને વૈકલ્પિક આશ્રય સ્થાન રૂપે બરડા અભ્યારણ્યમાં વસાવવા તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. વન વિભાગ દ્વારા નિયમિત રીતે કરવામાં આવતી સિંહની વસ્તી અંદાજની કામગીરી, મુલ્યાંકન અને સંરક્ષણના પરિણામે રાજ્યમાં ઉત્તરોત્તર સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે.

રાજ્યમાં સૌપ્રથમ વર્ષ 1936માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ 1995માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને કુલ 304 જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ 2001માં કુલ 327, વર્ષ 2005માં કુલ 359, વર્ષ 2010માં કુલ 411, વર્ષ 2015માં કુલ 523 અને છેલ્લે વર્ષ 2020માં કુલ 674 જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે. એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ ખુબ ઉપયોગી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ 100 ટકા ચોકસાઈ મળે છે.

તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ શુન્ય રહે છે. ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તારો, રેવન્યુ વિસ્તારોમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે. સમગ્ર વિસ્તારને રિજિયન, ઝોન, સબ ઝોન જેવાએકમોમાં વિભાજીત કરીને રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ, ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, નિરીક્ષકો સહિત લગભગ 3,000 જેટલા સ્વયંસેવકો દ્વારા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. તેમને સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને તેમના સોંપાયેલ વિસ્તારોના નકશા આપવામાં આવ્યા હતા.

આ પત્રકોમાં અવલોકનનો સમય, હિલચાલની દિશા, લિંગ, ઉંમર, શરીર પરના કોઈ અન્ય ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવી હતી. સિંહોની વ્યક્તિગત ઓળખ કરવા માટે હાઈ રીઝોલ્યુશન કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. કેટલાક સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે, જેથી સિંહ તેમજ તેના ગૃપનુ લોકેશન મેળવવામાં મદદ મળે છે. સિંહ અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે e-GujForest એપ્લિકેશનનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જી.આઇ.એસ. સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા તથા સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવ્યો હતો.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!