આંધ્રપ્રદેશમાં એનડીએના ગઠબંધન હેઠળની એન.ચંદ્રબાબુ નાયડુની સરકારે તલ્લિકી વંદનમ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ધોરણ-1થી ધોરણ-12ના તમામ વિદ્યાર્થીઓને વાર્ષિક 15 હજાર રૂપિયા આપવામાં આવશે. યોજનાના નિયમ મુજબ આ રકમ સીધી વિદ્યાર્થીની માતાના એકાઉન્ટમાં મોકલવામાં આવશે. યોજનાનો ફાયદો 67 લાખ મહિલાઓને થવાનો છે.
યોજના 15 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. TDP પાર્ટીના પ્રમુખ એન.ચંદ્રબાબુ નાયડુએ વર્ષ 2024ની ચૂંટણી વખતે અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી હતી, તેમાંથી આ તલ્લિકી વંદનમ યોજના એક છે. સરકારના સચિવ કોના શશિધરે આદેશમાં કહ્યું છે કે, રાજ્ય સરકારે તલ્લિકી વંદન યોજના શરૂ કરવા માટે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. યોજનાની મહત્ત્વની વાત એ છે કે, તેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના સામેલ કરાયા છે. વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂરી કરતી વખતે નાણાં માતાના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. આ મામલે સરકારે દિશા-નિર્દેશ જાહેર કરીને અંતિમરૂપ આપી દીધું છે.
