હાલ તાપી જિલ્લામાં વન્યપ્રાણીઓના હુમલાના કિસ્સાઓ દિવસે દિવસે વધી રહ્યા હોય ત્યારે વાઘઝરી ગામમાં ખેતરે ગયેલા ખેડૂત ઉપર દીપડાએ જીવલેણ હુમલો કરતા જીવ બચાવવા જાનની બાજી લગાવી દીપડાને ભગાડયો હતો. જોકે ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ વ્યારા ખાતે ખસેડવામાં આવ્યા હતા. સુત્રો પાસેથી મળતે માહિતી મુજબ, વ્યારા તાલુકાના નાનીચીખલી ગામના રહીશ શંકરભાઈ છગનભાઈ ગામીત (ઉ.વ.૫૬) સવારે તેમના વાઘઝરી ગામે આવેલ ખેતરમાં ખેતીકામ માટે ગયા હતા. 
ખેતરમાં કામ અર્થે પહોંચેલા ખેડૂત ઉપર અચાનક હિંસક દીપડાએ હુમલો કર્યો હતો. ખેડૂતને દીપડાએ આડેધડ પંજા તથા બચકાં ભરતા જ ખેડૂતે પણ હિંમત દાખવી વન્યપ્રાણીનો જોરદાર પ્રતિકાર કર્યો હતો. હિંસક પ્રાણી સાથે બાથ ભીડીને ખેડૂતે જેનો સામનો કરતા માંડમાંડ દીપડાને ભગાડયો હતો. જોકે માથા, પગ, હાથ તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર રીતે ખેડૂત ઘાયલ થયા હતા. લોહીલુહાણ થયેલ ખેડૂતની સ્થિતિની જાણ પરિવારજનોને થતા જેઓ તાત્કાલિક ખેતરે દોડી ગયા હતા. ગંભીર ઈજાગ્રસ્ત ખેડૂતને ૧૦૮ની મદદથી સારવાર માટે વ્યારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે હિંસક પ્રાણીના હિંચકારા હુમલાને લઈને ખેડૂતો તથા ખેતમજૂરોમાં ભય ફેલાઈ ગયો છે. ચીખલી, વાઘઝરી, ચીખલદા સહિતના આસપાસના વિસ્તારોમાં રહીશોમાં ફડફડાટ વ્યાપી ગયો છે. વન્યપ્રાણી માનવભક્ષી બની કોઈ અનિચ્છનીય ઘટનાને અંજામ આપે તેવો ડર લોકોમાં સતાવી રહ્યો છે.



