ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં એક ગામની મહિલા માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ ફરી એકવાર સંકટમોચન બની છે. પતિ દ્વારા એક મહિનાના બાળકને છીનવી લઈને ઘરમાંથી કાઢી મૂકવામાં આવેલી પીડિત મહિલાને ૧૮૧ ટીમે મદદ કરી તેનું બાળક પરત અપાવ્યુ હતું. મળતી માહિતી મુજબ, સુબીર તાલુકાના એક ગામની પીડિત મહિલા આહવા ખાતેના સખી વન સ્ટોપ સેન્ટર પર પહોંચી હતી. ત્યાં તેમણે કાઉન્સિલર રેખાબેનને જણાવ્યુ કે તેમના પતિએ તેમનું એક મહિનાનું બાળક લઈ લીધું છે અને તેમને ઘરમાંથી કાઢી મૂકી છે, જેથી તેમને તેમનું બાળક પાછું જોઈએ છે.
રેખાબેને પીડિત મહિલાની આપવીતી સાંભળીને તરત જ ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર કોલ કરીને જાણ કરી હતી. કોલ મળતા જ ૧૮૧ અભયમ આહવા ટીમના કાઉન્સેલર અને જીઆરડી તેમજ પાયલોટ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ટીમે પીડિત મહિલાને તેમનું એક મહિનાનું સ્તનપાન કરતું બાળક પરત અપાવ્યુ હતું. પીડિત મહિલાના પતિ થરે હાજર ન હોવાથી ટીમે તેમની જેઠાણી અને ગામના લોકોને કાયદાકીય માહિતી આપીને સમજાવ્યુ હતું કે, પીડિત મહિલા પણ આ ઘરની સભ્ય છે અને તેમને ઘરમાંથી કાઢી શકાય નહીં.
જો તેમની સાથે મારઝૂડ કરવામાં આવશે તો ઘરેલુ હિંસા કાયદા હેઠળ કાર્યવાહી થશે. પીડિત મહિલા પોતાની સાસરીમાં જ રહેવા માંગતી હોવાથી, ગામના આગેવાનો અને કારભારીની જવાબદારી હેઠળ તેમને સુરક્ષિત રીતે તેમની સાસરીમાં સોંપવામાં આવ્યા હતાં. પોતાનું બાળક પરત મળતા પીડિત મહિલાએ ૧૮૧ અભયમ ટીમનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટનામાં ફરી એકવાર ડાંગની ૧૮૧ મહિલા અભયમ ટીમ પીડિત મહિલાઓ માટે આશાનું કિરણ બનીને ઉભરી આવી છે.



