એકાદ મહિનાથી ચાલતી તૈયારીઓ વચ્ચે આખરે અમદાવાદથી ડાકોરની પદયાત્રાનો પ્રારંભ થતા જ ભક્તિપથ પર અનેરો ભક્તિમય માહોલ રચાયો છે. અમદાવાદના મણિનગર, ખોખરા, જશોદાનગર ચોકડી, હાથીજણ સર્કલ સહિતના વિસ્તાર વિસ્તારોમાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને ડાકોર તરફ જતા નજરે પડી રહ્યા છે. હીરાપુર ચોકડી સુધીનો માર્ગ જય રણછોડના જયઘોષથી ગુંજી ઉઠયો છે. શ્રદ્ધાળુઓ આવવા માંડતા માર્ગ પરના ભંડારા અને સેવા કેમ્પ પણ ધમધમી ઉઠયા છે. શુક્રવારે ડાકોરના મંદિરે ફુલડોલ ઉત્સવ ઉજવાશે. જેમાં ભાગ લેવા માટે મંગળવારે વધુ હજારો યાત્રિકો પદયાત્રાનો પ્રારંભ કર્યો અને માર્ગ પર ભજન-ભોજન-ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. ડાકોરની પદયાત્રાનો આમ તો રવિવારથી જ પ્રારંભ થઈ ગયો હતો.
પરંતુ, સોમવારે યાત્રિકોની સંખ્યા વધી હતી. સામાન્ય રીતે અમદાવાદથી ડાકોર ચાલીને પહોંચવામાં ત્રણથી ચાર દિવસનો સમય લાગતો હોય છે. આ ગણતરી અનુસાર, શુક્રવારે ડાકોર મંદિરે ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે આગામી બે દિવસમાં હજારો યાત્રિકો અમદાવાદથી રવાના થશે. યાત્રા સંઘ, મંડળો, સંસ્થાઓની સાથે એકલ-દોકલ પરિવારો પણ સાથે મળીને પદયાત્રા કરતા જોવા મળી રહ્યા છે. યાત્રિકોમાં બે-ત્રણ વર્ષના નાના બાળકથી માંડી 65-70 વર્ષની વય સુધીના વડીલો પણ જોડાયા છે. મહિલાઓ, પુરુષો, યુવાનો બધા ભગવાન કાળિયા ઠાકરની ભક્તિના રંગમાં રંગાઈને પદયાત્રા માટે નિકળી પડ્યા છે.
અમદાવાદ શહેર ઉપરાંત હાથીજણ સર્કલ અને ત્યાંથી આગળ હીરાપુર ચોકડી સુધીના સેવા કેમ્પ ધમધમી ઉઠયા છે. શરૂઆતના દિવસોમાં આટલા માર્ગ પર જ યાત્રિકોનો પ્રવાહ હોય છે. ત્યારબાદ યાત્રિકો આગળ વધે તેમ મહેમદાબાદ,ખાત્રજ ચોકડી, મહુધા, બોરડી સહિતના માર્ગ પર સેવાકેમ્પ શરૂ થશે. ભાવિકો સરળતાથી યાત્રા કરી શકે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદના કોટ વિસ્તારના ખાડિયા, શાહપુર, રાયપુર, જમાલપુર ઉપરાંત મણિનગર, અસરવા, શાહીબાગ, ખોખરા વગેરે વિસ્તારના રહેવાસીઓ હજારોની સંખ્યામાં આ પદયાત્રામાં જોડાઈને પૂણ્યનું ભાથું બાંધતા હોય છે. અસારવાની પ્રભુનગર સોસાયટીમાંથી સાતમાં વર્ષે ડાકોર પદયાત્રા સંઘનું પ્રસ્થાન થયું છે.
કડીથી ભગવાન રણછોડરાયજીનો રથ અને ધ્વજાઓ સાથે આવી પહેલા ભક્તોનું પ્રભુનગર સોસાયટીમાં સ્વાગત કરાયું હતું. રણછોડરાયજીની આરતી અને પ્રસાદ અર્પણ કરાયા બાદ રથ સાથે સંઘને વિદાય આપવામાં આવી હતી. જેમાં સોસાયટીના રહેવાસીઓ પણ જોડાયા છે. વટવા જીઆઈડીસી વિંઝોલ સ્થિત સંકટ મોચન હનુમાનજીના મંદિરે કાર્યકરો દ્વારા ભોજન પ્રસાદ સેવાકેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં અગિયારસના દિવસે ભાવિકોને ફરાળ પીરસાયું હતું. અહીં યાત્રિકોને દરરોજ બપોરે અને સાંજે ફાડા લાપસી, દાળ-ભાત, શાક-પુરી, પાપડ, છાશ સહિતની વાનગી ભોજનમાં આપવામાં આવી હતી. મોટી ઉંમરના વડીલો ફક્ત ડાકોરની પદયાત્રા જ કરી રહ્યા હોય, તેવું નથી. પરંતુ પોડાસર વિસ્તારના 60 થી 85 વર્ષની વયના વડીલોએ સતત 11માં વર્ષે મહેમદાવાદ માર્ગ પર આમસરણ નજીક સેવાકેમ્પ શરૂ કર્યો છે. આ વડીલો હોંશે હોંશે યાત્રિકોની સેવા કરી રહ્યા છે. શ્રી ગૌડપ્રગતિ મંડળ દ્વારા દર વર્ષની માફક ડાકોરના પદયાત્રિકો માટે હીરાપુર ગામ પાસે પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. જેમાં સેવાભાવી ભાઈઓ અને ભહેનો ઉત્સાહભેર જોડાઈને યાત્રિકોની સેવા કરી રહ્યા છે.
