વાપીનાં કરવડની ફોરમ લોજિસ્ટિક પાર્કમાં અરહમ પેટ્રો કેમિકલમાં હિમાચલ પ્રદેશથી ટ્રક લઈને આવેલા ચાલકે માલ સામાન ખાલી કરવા માટે તેની ટ્રક થંભાવી હતી. ત્યારબાદ મજૂરોએ પ્લાસ્ટિકના દાણા ખાલી કરવાનું શરૂ કર્યું હતુ. 
જયારે આ સમયે ટ્રકનો ચાલક મહેરચંદ ધરમચંદ (રહે.હિમાચલપ્રદેશ) પોતે ટ્રકની કેબિન ઉપર ચઢી કોઈ કામગીરી કરવા ગયા હતા. આ સમયે ઉપરથી પસાર થઈ રહેલી ઈલેક્ટ્રીક વીજલાઈનનો જીવંત તાર મહેરચંદ ધરમચંદને ખભાના ભાગે અડી જતા તેને કરંટ લાગ્યો હતો. આ સાથે જ તેનું કેબિન ઉપર જ મોત થયું હતું. આખરે વીજ કંપનીના કર્મચારીને ઘટનાની જાણ થતાં વીજ પુરવઠો બંધ કરાયો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરાઈ હતી. જે બાદ મૃતકની લાશને કેબિન ઉપરથી ઉતારવા માટે કોઈ મજૂરો ન મળતા ફાયર વિભાગની ટીમને બોલાવવાની ફરજ પડી હતી. ફાયરની ટીમે સ્થળ પર આવી મૃતકની લાશને દોરડા વડે નીચે ઉતારી હતી.



