ગાંધીનગરનાં દહેગામ તાલુકાનાં સાંપા ગામે આવેલ તળાવમાં ડુબી જવાથી એક યુવકનું મૃત્યુ થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. મળતી માહિતી મુજબ, ગાંધીનગરના દહેગામ તાલુકાના સાંપા ગામે રહેતા અજીત ભૂપતભાઇ નામના દેવીપૂજક યુવકનું આ બનાવમાં મૃત્યુ થયુ હતું. તે પરિવારના યુવાનો સાથે બકરા ચરાવવા નીકળ્યો હતો.
કાંપ અને માટી સહિત કાદવ કિચડના કારણે તે પોતાની જાતને સભાળી શક્યો ન હતો અને બચાવવા માટે બુમો પાડવા લાગ્યો હતો. આ સાથે દોડી આવેલા પરિવારજન સહિતના લોકોએ તેને બહાર કાઢવા કરેલા પ્રયાસો નિરર્થક રહ્યા હતાં. દરમિયાન તળાવમાં યુવક ડૂબ્યો હોવાની જાણ દહેગામ નગરપાલિકા અને ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયર ઓફિસર સૂર્યોદયસિંહ રાઠોડ, ફાયરમેન ધર્મેન્દ્રસિંહ, ધર્મવીરસિંહની ટીમે સ્થળ પર પહોંચીને તળાવમાં ડૂબેલા યુવકને મૃત હાલતમાં બહાર કાઢયો હતો. આ મામલે પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
